લંડન : તા. ૩૧ : યુક્રેનમાં રશિયાના યુદ્ધને કારણે ઉર્જા અને ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાને કારણે યુરોઝોનમાં ફુગાવો વધીને ૮.૧ ટકાના વિક્રમજનક સ્તરે પહોંચી ગયો છે.યુરોપિયન યુનિયન સ્ટેટિસ્ટિક્સ એજન્સી યુરોસ્ટેટ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા અનુસાર યુરોનો ઉપયોગ કરતા ૧૯ દેશોમાં માર્ચ અને એપ્રિલમાં ફુગાવો ૭.૪ ટકા હતો.મે મહિનામાં નોંધાયેલો ૮.૧ ટકાનો ફુગાવો ૧૯૯૭માં ફુગાવાના આંકડા રાખવાની શરૃઆત કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીનો સૌથી ઉંચો ફુગાવો છે.સતત વધી રહેલા ફુગાવાને કારણે લોકોનું ઘરેલુ બજેટ ખોરવાઇ રહ્યું છે.જેના કારણે ફુગાવાનું સ્તર હવે વધુ ઉંચા સ્તરે ન જાય તે માટે સત્તાવાળાઓ પર દબાણ વધી રહ્યું છે.મે મહિનામાં ઉર્જાના ભાવમાં ૩૯.૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.યુદ્ધ અને વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવ વધવાના કારણે યુરોઝોનના ૩૪.૩કરોડ લોકો માટે ગુજરાન ચલાવવું વધુ મોંઘુ થતું જાય છે.કેપિટલ ઇકોનોમિક્સના ચીફ યુરોપિયન ઇકોનોમિસ્ટ એન્ડ્રુ કેન્નીન્ઘામે જણાવ્યું છે કે ઉર્જાના ભાવો અગાઉથી ધારણા કરતા વધુ લાંબા સમય સુધી ઉંચા રહેવાની સંભાવના છે.કારણકે યુરોપના મોટા ભાગના દેશો રશિયા પાસેથી ઓઇલ નહીં ખરીદવા તરફ આગળ વધી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ વધીને બેરલ દીઠ રૃ.૧૨૦ ડોલરને પાર થઇ ગયું છે.યુદ્ધને કારણે રશિયામાંથી આવતા ગેસના પુરવઠાને પણ અસર થઇ રહી છે.મે મહિનામાં ખાદ્યાન્નના ભાવમાં ૭.૫ ટકાનો વધારો થયો છે.કપડા,એપ્લાયન્સિસ,કાર,કોમ્પ્યુટર અને પુસ્તકોના ભાવમાં ૪.૨ ટકાનો વધારો થયો છે.સર્વિસીસના ભાવમાં ૩.૫ ટકાનો વધારો થયો છે.જો કે ફુગાવો ફક્ત યુરોનો ઉપયોગ કરતા દેશોમાં જ વધી રહ્યો છે તેવું નથી અમેરિકા અને બ્રિટનમાં પણ ફુગાવો વધી રહ્યો છે.જેના કારણે વિશ્વના દેશોની મધ્યસ્થ બેંકો વ્યાજ દરોમાં વધારો કરી રહી છે.