નવી દિલ્હી, તા. 4. માર્ચ. 2022 શુક્રવાર : યુક્રેન અને રશિયા વચ્ચે જંગ થયો તે પહેલા કદાચ ભારતના હજારો વિદ્યાર્થીઓ યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરવા માટે જાય છે તે બાબત ભારતમાં પણ ઘણાને ખબર નહોતી.
જોકે હવે લોકોને વાસ્તવિકતા ખબર પડી રહી છે.ભારતમાં ડોકટર બનવા માંગતા ઘણા વિદ્યાર્થીઓ નીટ પરીક્ષામાં આકરી સ્પર્ધા તેમજ પ્રાઈવેટ કોલેજોની કમરતોડ ફીના કારણે વિદેશમાં જઈને એમબીબીએસ કરવાનુ પસંદ કરે છે.જોકે મુશ્કેલી એ પછી પણ ઓછી થતી નથી.
આવા વિદ્યાર્થીઓએ ભારતમાં પ્રેક્ટિસ કરવી હોય તો સરકાર દ્વારા યોજાતી પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.આવી પરીક્ષા વર્ષમાં બે વખત યોજાતી હોય છે.જોકે તેમાં સફળતાની ટકાવારી ઓછી છે.
વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં પચાસ ટકા માર્કસ લાવવા જરુરી છે.વીતેલા વર્ષોના પરિણામ પર નજર નાંખવામાં આવે તો પરીક્ષામાં પાસ થનારા વિદ્યાાર્થીઓની ટકાવારી 25 ટકાની આસપાસ રહેતી હોય છે.ડિસેમ્બર 2021માં લેવાયેલી આ પરીક્ષામાં 23691 વિદ્યાર્થીઓ બેઠા હતા અને તેમાંથી 5665 પાસ થયા હતા.
ઉલ્લેખનીય છે કે,એમબીબીએસ કોર્સમાં પ્રવેશ લીધાના દસ વર્ષની અંદર વિદ્યાર્થીએ પરીક્ષા પાસ કરવી પડે છે.યુક્રેન કે રશિયામાં એમબીબીએસ કોર્સ 6 વર્ષનો હોય છે.એ પછી વિદ્યાર્થીએ ત્યાં એક વર્ષ અને ભારતમાં એક વર્ષ ઈન્ટર્નશીપ કરવાની હોય છે.આ સંજોગોમાં વિદ્યાર્થીને પ્રેક્ટિસ કરવા માટેની પરીક્ષા પાસ કરવા બે વર્ષનો સમય મળે છે.જોકે ભારતમાં આ પરીક્ષા વર્ષમાં બે વખત લેવાય છે.