અમદાવાદ તા.2 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતયાત્રામાં હજીરા-ઘોઘા ફેરી સર્વિસ શરૂ થવાનો સમાવેશ હતો,પરંતુ હવે આ ઉદ્ઘાટન 8મી નવેમ્બરે કરાશે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટમાં આવતી અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત વચ્ચે 370 કિ.મી. બચાવતી આ ફેરી સેવાનું સંચાલન કરતી પેઢી ઈન્ડિગો-સી વેઝ અને ગુજરાત મેરી ટાઈમ બોર્ડ વચ્ચેના કરારથી થવાનું છે.
તા.31થી આ માટે બુકીંગ શરૂ થશે. દીનદયાળ પોર્ટ ટ્રસ્ટની આગેવાની તળે હજીરાથી ઘોઘાની ફેરી સેવાનું સંચાલન થવાનું છે,ત્યારે પહેલાં 31મી ઓકટોબર પછી 9મી નવેમ્બર અને હવે 8મી નવેમ્બરે આ સેવા શરૂ કરવા ઠરાવાયું છે.અગાઉની દહેજ-ઘોઘા ફેરી સેવા બંધ થઈ અને હવે હજીરાથી ઘોઘા વચ્ચે આ રો રો ફેરી સર્વિસ શરૂ થનારી છે, જે દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડશે.દિવસ દરમ્યાન આ ફેરી સેવા ત્રણ વખત ચાલશે.
જેના દ્વારા વર્ષે પાંચ લાખ પ્રવાસીઓ તથા 80 હજાર ઉતારુ વાહનો અને 50 હજાર દ્વિ-ચક્રીય તેમજ 30 હજાર ટ્રકને સામસામે કિનારે પહોંચાડાશે. રસ્તા માર્ગે પરિવહન ઘટતાં પ્રદૂષણનું પ્રમાણ ઘણું ઘટી જશે અને માલ પરિવહનના સમયમાં 10થી 12 કલાકનો ઘટાડો થવાથી વાર્ષિક 9000 લિટર ઈંધણની બચત થશે. નવી રોજગારીની તકોનું નિર્માણ થશે તેમજ સૌરાષ્ટ્રમાં પર્યટન ઉદ્યોગને વેગ મળશે તેવું મનાઈ રહ્યું છે.ફેરી જહાજમાં 30 ટ્રક માલ ભરેલી,100 ઉતારુ કાર,500 ઉતારુ, એક સાથે સફર કરી શકશે. હજીરામાં આ માટે ટર્મિનલ, જેટી સહિતની સુવિધા ઊભી કરાઈ છે. 8મીએ સવારે 11 વાગ્યે યોજાનારા ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપરાંત શિપિંગ મંત્રી મનસુખભાઈ માંડવિયા,વિજય રૂપાણી હાજર રહેશે.


