– વિશ્વ બજારમાં રશિયાથી આવતો પુરવઠો ખોરવાયો
– ઓપેકની મિટિંગ માત્ર 13 મિનિટ ચાલી: રશિયા મહત્ત્વનો સાથી દેશ હોવાથી મિટિંગમાં યુદ્ધનો ઉલ્લેખ પણ ટાળવામાં આવ્યો!
મુંબઈ : ક્રૂડતેલના ભાવમાં વિશ્વ બજારમાં આજે રેકોર્ડ બ્રેક તેજી વેગથી આગળ વધતાં જૂના વિક્રમો તૂટી નવા વિક્રમો સર્જાયા હતા અને તેના પગલે ભારત સરકારની ચિંતામાં નવો વધારો થયો હોવાનું પેટ્રોલિયમ પેદાશોની બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
ક્રૂડતેલ ઉપરાંત નેચરલ ગેસ તથા કોલસાના ભાવ પણ ઉછળતાં ઔદ્યોગિક ક્ષેત્રના એનર્જી વપરાશકારો સામે પણ નવો પડકાર ઊભો થયો છે.રશિયા-યુક્રેનના યુદ્ધના પગલે વિશ્વ બજારમાં રશિયામાંથી આવતો ક્રૂડતેલનો પુરવઠો ખોરવાયો છે.
બ્રેન્ટક્રૂડના ભાવ આજે વધુ ઉછળી બેરલદીઠ ઉંચામાં 120 ડોલરની નજીક 119.80થી 119.85 ડોલર સુધી પહોંચી ગયા હતા જ્યારે ન્યુયોર્ક ક્રૂડના ભાવ વધી ઉંચામાં 116.55થી 116.60 ડોલર સુધી ટ્રેડ થયા હતા. બ્રેન્ટના ભાવ મે-2012 પછીની નવી ટોચે જ્યારે ન્યુયોર્કના ભાવ સપ્ટેમ્બર-2008 પછીની નવી ટોચે પહોંચ્યા હતા એવું વિશ્વ બજારના જાણકારોએ જણાવ્યું હતું.
ક્રૂડના ભાવ ઉછળતાં ઘરઆંગણે પેટ્રોલ-ડિઝલના ભાવમાં મોટી વૃદ્ધી થવાની દહેશત તથા ફુગાવો બેકાબૂ બનવાની ભીતિ વચ્ચે કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલર ઉછળી રૂ.76 નજીક પહોંચી જતાં ક્રૂડની ઈમ્પોર્ટ કોસ્ટ દેશમાં વધુ ઉંચીગઈ હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. યુદ્ધના માહોલમાં વૈશ્વિક સ્તરે જહાજી ભાડા પણ વધ્યા છે. સુએઝ કેનાલના સત્તાવાળાઓએ ટેરીફ વધારી દીધી છે.
દરમિયાન, બ્રેન્ટક્રૂડના વૈશ્વિક ભાવ આજે ઉંચામાં બેરલના 119.84 ડોલર તથા નીચામાં મોડી સાંજે 111.76 ડોલર રહ્યા હતા. ન્યુયોર્ક ક્રૂડના ભાવ આજે ઉંચામાં 116.57 થઈ 109.20 ડોલર રહ્યા હતા.
વિશ્વમાં ક્રૂડતેલનું જે કુલ ઉત્પાદન થાય છે એ પૈકી એકલા રશિયામાં આશરે 11 ટકા ઉત્પાદન થાય છે.યુરોપમાં ગેસ તથા ઓઈલની કુલ માગ પૈકી 30 ટકા માત્ર રશિયા પૂરી કરે છે.ક્રૂડની નિકાસ બજારમાં સાઉદી અરેબિયા પછી બીજા ક્રમાંકે રશિયા આવે છે.ક્રૂડના ભાવ ઉછળતાં અન્ય ઉર્જા સ્ત્રોતોની બજાર પણ ઉછળી છે.
વિવિધ દેશો દ્વારા રશિયા સામે વિવિધ પ્રતિબંધો લદાતાં તથા રશિયાની ઓઈલ કંપનીઓમાંથી વિવિધ દેશોની કંપનીઓએ છેડો ફાડતાં રશિયામાં ઉત્પાદનને ફટકો પડવાની ભીતીએ પણ ભાવ ઉછળતાં જોવા મળ્યા હતા. ક્રૂડ ઉત્પાદકોની સંગઠન ઓપેકની બુધવારે મળેલી મિટિંગ માત્ર 13 મિનિટ ચાલી હતી અને આ મિટિંગમાં ક્રૂડ ઉત્પાદનમાં દૈનિક વૃદ્ધી ચાર લાખ બેરલ્સ કરવાનું નક્કી થયું હતું.
ઓપેકે ઉત્પાદનમાં વધુ વૃદ્ધી કરવાની અપેક્ષા હતી તેના બદલે માત્ર ચાર લાખ બેરલ્સની દૈનિક વૃદ્ધી કરાતાં તેના કારણે પણ બજારની તેજીને નવું કારણ મળ્યું હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.ઓપેકમાં સાથી દેશોમાં રશિયા મહત્ત્વનો દેશ હોવાથી ઓપેકની 13 મિનીટની મિટિંગમાં યુદ્ધનો કોઈ ઉલ્લેખ થયો ન હતો એવું આધારભૂત સાધનોએ જણાવ્યું હતું.