ટોકિયો : ચીનની ઘૂસણખોરીની સમગ્ર વિશ્વમાં ટીકા થઇ રહી છે ત્યારે ક્વોડના નેતાઓ પણ તેમાં જોડાયા હતા.જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ જો બાઇડેનનો સમાવેશ થાય છે. આ બન્ને નેતાઓએ સરહદે કોઇ પણ સ્થિતિને બદલવા માટે કોઇ ભડકાઉ અથવા કે એકપક્ષીય પ્રયાસ સામે તેમનો આવાજ મજબૂત કર્યો છે.તેમણે વિવાદોનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની હાકલ કરી છે.તેમણે તાકાતનો કોઇપણ રીતે દુરુપયોગ નહીં કરવાની વાત પણ કરી છે.ક્વોડના નેતાઓ સાથે વ્યક્તિગત મીટિંગમાં વડાપ્રધાન મોદી,અમેરિકાના પ્રમુખ બાઇડેન,જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝે ઇન્ડો-પેસિફિક પ્રાંતમાં ગતિવિધિઓ તેમજ પરસ્પર હિતના વૈશ્વિક પ્રશ્નો અંગે અભિપ્રાયોની આપ-લે કરી હતી.ક્વોડના સભ્ય દેશોમાં પરસ્પર વિશ્વાસ અને પ્રતિબદ્ધતા એ લોકશાહીની તાકાતોને નવી ઊર્જા મળે છે.આમાં અમેરિકાના પ્રમુખ જો બાઇડેન અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ યુક્રેન પર રશિયાના હુમલા સામે આકરી ટીકા કરી હતી.જોકે વડાપ્રધાન મોદી એ મૌન સેવ્યું હતું.મોદીએ કહ્યું હતું કે એક ટૂંકાગાળામાં જ ક્વોડે વિશ્વના સ્ટેજ પર એક મહત્વનું સ્થાન મેળવી લીધું છે.આજે ક્વોડની તકો વિસ્તરી છે અને આ મંચ વધુ અસરકારક બન્યું છે.
મીટિંગ બાદ એક સંયુક્ત નિવેદનમાં તેમણે કહ્યું હતું કે‘અમે સરહદે સ્થિતિ બદલવા કે વિસ્તારમાં તંગદિલી વધારવા માટે કોઇ ભડકાઉ,એકપક્ષીય અથવા પગલાનો આકરો વિરોધ કરીએ છીએ.આમાં વિવાદિત સ્થળોએ લશ્કરીકરણ,દરિયાઇ જહાજોના જોખમી ઉપયોગનો પણ સમાવેશ થાય છે.’ઉલ્લેખનીય છે કે હાલમાં જ્યારે ચીન અને ક્વોડના સભ્ય દેશો વચ્ચેના સંબંધો તંગદિલીભર્યા છે ત્યારે આ સમિટ યોજાઇ છે. ચીન લોકશાહી મૂલ્યોને પડકારી રહ્યું છે અને વેપારના મોરચે આકરા પગલાનો આશરો લઇ રહ્યું છે,તે જોતાં આ બેઠક મહત્વની છે.