એટલે કે મારો સમાજ,મારી જવાબદારી.શ્રી કચ્છી વીસા ઓસવાળ દૃષ્ટિ ફાઉન્ડેશન ફૉર ધ બ્લાઇન્ડ દ્વારા સમાજની કોઈ વ્યક્તિના મૃત્યુ પ્રસંગે સંસ્થા તરફથી પરિવારજનો માટે નિઃશુલ્ક ખારી માની સેવા (જમવાની વ્યવસ્થા)શરૂ કરવામાં આવી:એક ફોન અને બે કલાકમાં ભોજન ઘરે આપણા હિન્દુ અને જૈન સમાજમાં દાયકાઓથી એક રિવાજ ચાલી રહ્યો છે કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો એના પરિવારજનો શોકગ્રસ્ત હોવાથી અને તેમને સૂતક લાગતું હોવાથી તેમના ઘરે મૃત્યુના દિવસે રસોઈ બનાવવામાં આવતી નથી.
આ પરિવારજનોના જમવાની વ્યવસ્થા તેમના પાડોશીઓ કે આસપાસના સ્વજનો દ્વારા કરવામાં આવે છે.જોકે આ પરંપરા બદલાતા યુગ સાથે હવે ફક્ત ગામડાંઓમાં જ ટકી રહી છે.શહેરોમાં હવે મૃતકના પરિવારજનો કોઈ પણ કેટરર્સને કે રસોઈ બનાવી આપતાં બહેનોને કૉન્ટ્રૅક્ટ આપીને તેમની પાસેથી રસોઈ મગાવી લેતા હોય છે.જોકે થોડા સમય પહેલાં જ મુંબઈની શ્રી કચ્છી વીસા ઓસવાળ દૃષ્ટિ ફાઉન્ડેશન ફૉર ધ બ્લાઇન્ડ દ્વારા તેમના સમાજના સાયનથી કોલાબા અને ચર્ચગેટથી માહિમ સુધીના સાઉથ મુંબઈના વિસ્તારોમાં રહેતા સમાજના પરિવાજનો માટે ‘ખારી માની સેવા’ની પહેલ કરવામાં આવી છે.આ સંસ્થા તેમના સમાજમાં કોઈ પરિવારમાં મૃત્યુ થશે તો તેના પરિવારની જમવાની વ્યવસ્થા નિઃશુલ્ક કરશે.
શ્રી કચ્છી વીસા ઓસવાળ દૃષ્ટિ ફાઉન્ડેશન ફૉર ધ બ્લાઇન્ડ ઘણાં વર્ષોથી દૃષ્ટિહીન પરિવારોને આર્થિક સહાય સાથે અનાજ તથા વૈદકીય અને શૈક્ષણિક સેવા આપી રહી છે.આ સંસ્થાના એક ટ્રસ્ટીને બે મહિના પહેલાં તેમના સમાજમાંથી ફોન આવ્યો કે અમારા પરિવારમાં મૃત્યુ થયું છે અને શું તમારા માટે શક્ય છે કે તમે અમારા પરિવારજનો માટે જમવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી શકો? આ બાબતની માહિતી આપતાં આ સંસ્થાના ટ્રસ્ટી મૂળ કચ્છના નાના ભાડિયા ગામના ભરત ગડાએ‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘આ વ્યક્તિના ફોન પછી અમે એ ફોન કરનારી વ્યક્તિના પરિવારજનો માટે તો જમવાના ટિફિનની વ્યવસ્થા કરાવી આપી,પરંતુ સાથે-સાથે અમને ટ્રસ્ટીઓને અને અમારા પદાધિકારીઓને વિચાર આવ્યો કે આપણે સાઉથ મુંબઈના વિસ્તારો સાયનથી કોલાબા અને ચર્ચગેટથી માહિમની વચ્ચે આપણા સમાજના પરિવારો માટે‘ખારી માની સેવા’ શરૂ કરવી જોઈએ.‘ખારી માની સેવા’એટલે મૃતકના પરિવારો માટે જેમ દસકાઓ પહેલાં અને આજે પણ આપણાં ગામોમાં પાડોશીઓ અને અન્ય ગામના સ્વજનો જમવાની વ્યવસ્થા કરી આપે છે એ જ પ્રકારની સેવા.’