કિસન બોલિયા હત્યા કેસને લઇ માલધારી સમાજ મેદાનમાં : રાજકોટમાં હિંસા : લાઠીચાર્જમાં નાસભાગ અને યુવાન લોહીલુહાણ

928

– ‘કિશન હમ શર્મિંદા હૈ, તેરા કાતિલ જિંદા હૈ’ના નારા સાથે રાજ્યભરમાં માલધારી સમાજ-હિન્દુ સંગઠનોની રેલીઓ
– હત્યારાઓના એન્કાઉન્ટર કરવાની માલધારી સમાજની ઉગ્ર માગ, રાજ્યભરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
– યુવાનની હત્યાને હિન્દુ સંસ્કૃતિ પરના પ્રહાર તરીકે દર્શાવતા લોકકલાકારોના સોશિયલ મીડિયા પર વીડિયો

રાજકોટ : ધંધૂકાના યુવાન કિશન ભરવાડની હત્યાના વિરોધમાં આજે રાજ્યભરમાં ઉગ્ર દેખાવો સાથે રેલીઓ થઈ રહી છે.એમાં પણ રાજકોટમાં માલધારી સમાજ- હિન્દુ સંગઠનોની રેલી એકાએક હિંસક બની હતી.દેખાવકારો પર પોલીસે લાઠીચાર્જ કરતાં નાસભાગ મચી હતી.આવામાં એક પોલીસકર્મીએ અચાનક રિવોલ્વર કાઢી હતી અને દેખાવકારો પાછળ દોડ્યા હતા.આવાં વરવા દૃશ્યો વચ્ચે “કિશન હમ શરમિંદા હૈ, તેરા કાતિલ અભી જિંદા હૈ”ના નારા રાજ્યભરમાં સાંભળવા મળ્યા હતા.કિશનની હત્યાના આરોપીઓનું તાત્કાલિક એન્કાઉન્ટર કરવાની માલધારી સમાજ માગણી કરી રહ્યો છે.એમાં પણ અમદાવાદ,સુરત,કરજણ સહિતનાં શહેરોમાં માલધારી સમાજે કલેક્ટર કચેરીઓ ખાતે કૂચ કરીને કલેકટરને આવેદનપત્ર આપી કિશન ભરવાડને ન્યાય આપવાની માગણી કરી છે.

રાજકોટમાં રિવોલ્વર લઈને દોડતા પોલીસકર્મીનાં દૃશ્યો

રાજકોટમાં માલધારી સમાજ ઉપરાંત હિન્દુ સંગઠનોની રેલીમાં એકાએક નાસભાગ મચી હતી.પોલીસે અચાનક લાઠીચાર્જ શરૂ કરતાં પણ દોડાદોડ થઈ હતી.આવામાં ટોળાના યુવાનોની પાછળ રાજકોટના એક પોલીસકર્મી રિવોલ્વર લઈને દોડ્યા હતા અને લાઠીઓ મારી હતી.આ પોલીસકર્મી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ હોવાનું મનાય છે,પરંતુ હજી સુધી તેની કોઈ પુષ્ટિ નથી થઈ.અલબત્ત, પોલીસને આ રીતે રિવોલ્વર સાથે દોડતા જોઈને સ્થિતિ ભારેલા અગ્નિ જેવી થઈ ગઈ હતી.

રાજકોટ કલેક્ટર કચેરીએ જતા રસ્તા પર માલધારી સમાજનો મહેરામણ

રાજકોટમાં રેસકોર્સ રોડ થઈને કલેક્ટર કચેરી તરફ જતા રસ્તા પર માલધારી સમાજનો મહેરામણ ઊમટ્યો હોય તેમ જણાતું હતું.માલધારી સમાજની સાથે હિન્દુ સંગઠનો ઉપરાંત સ્થાનિક યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ‘કિશનના હત્યારાઓને ફાંસી આપો… ફાંસી આપો…, હિન્દુ સંસ્કૃતિ ઝિંદાબાદ’ના નારા સાથે આ રસ્તાઓ પર લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં.આ તમામ યુવાનો-સમાજના આગેવાનોની એક જ માગ હતી કે કોઈપણ ભોગે કિશનના હત્યારાઓને સજા થવી જ જોઈએ. આ રીતે હિન્દુ સંસ્કૃતિ પરના હુમલાને આ દેશમાં ચલાવી લેવાશે નહીં.

અમદાવાદમાં કલેક્ટર કચેરીએ માલધારી સમાજના લોકોનો સૂત્રોચ્ચાર

અમદાવાદમાં કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.સમાજના લોકોએ કલેક્ટર કચેરી બહાર કિશન હમ શર્મિદા હૈ, તેરા કાતિલ ઝિંદા હૈ, જય શ્રીરામ સહિતના નારા લગાવ્યા હતા.માલધારી સમાજના લોકોએ રોષ સાથે કલેક્ટરને કિશન ભરવાડની હત્યા મામલે તપાસ કરીને આરોપીઓને ફાંસીની સજા આપવા રજૂઆત કરી હતી.એ ઉપરાંત સમાજના લોકો દ્વારા આરોપીઓનાં એન્કાઉન્ટર કરવાની પણ માગણી કરવામાં આવી હતી.

દેવાયત ખાવડે વીડિયો પોસ્ટ કરી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો

ધંધૂકાના કિશન ભરવાડ હત્યા મામલે હવે એક બાદ એક લોક સાહિત્યકારોનાં નિવેદનો સામે આવી રહ્યાં છે.જાણીતા કલાકાર દેવાયત ખવડે પણ સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરી જણાવ્યું છે કે ભરવાડ પરિવારને ન્યાય અપાવવા સર્વ સમાજ એક થાય.હિન્દુ સંસ્કૃતિના રક્ષણ માટે જ્ઞાતિવાદ દૂર કરી સૌને એક થવા અપીલ કરું છું.આ દેશ પણ નબળો નથી અને આ દેશનો દેવ પણ નબળો નથી.કુરુક્ષેત્રના મેદાનમાં પણ ભગવાન કૃષ્ણે જ નારો લગાવ્યો હતો. જરૂર પડ્યે આપણે શાસ્ત્રો અને શસ્ત્રનો ઉપયોગ કરી આગળ વધવાની તૈયારી દાખવી જ્ઞાતિ જાતિ ભૂલી હિન્દૂ થઇ ખભે ખભો મિલાવી આગળ વધીશું.

સુરતમાં સૂત્રોચ્ચાર સાથે રેલી નીકળી.

માલધારી સમાજના આગેવાન કિરણ માલધારીએ જણાવ્યું હતું કે કિશન ભરવાડની હત્યા થઈ,પરંતુ પોલીસે પણ શરૂઆતમાં યોગ્ય તપાસ કરી નહોતી.હિન્દુવાદી અને હિન્દુત્વની વાતો કરતી સરકાર હિન્દુના નામે વોટ માગે છે તો કિશન ભરવાડની હત્યા મામલે સંડોવાયેલા તમામ આરોપીઓના એન્કાઉન્ટર કરે.હિંદુત્વના રાજમાં હિન્દુની હત્યા કરવામાં આવી છે. સરકાર હકીકતમાં ન્યાય આપવા માગતી હોય તો એન્કાઉન્ટર જ થવું જોઈએ.

દિલ્હીના મૌલવીને અમદાવાદ લવાયો

અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા મામલે ATSની ટીમે રવિવારે વધુ એક મૌલવીની અટકાયત કરી અમદાવાદ લાવી છે.દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માનીની ગુજરાત એટીએસની ટીમે અટકાયત કરી છે.હત્યા કેસમાં ગુજરાત ATSએ પ્રેસ-કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે મૌલાના કમર ગનીએ છેલ્લા 6 મહિનામાં ગુજરાતનાં અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી હતી.હત્યાના ષડયંત્રમાં વધુ મૌલવીઓનાં નામ આવી શકે છે.હજુ કમર ગનીની વધુ પૂછપરછ કરાશે.કટ્ટરવાદી વિચારધારા ધરાવતા મૌલાના કમર ગની ઉશ્કેરણીજનક ભાષણો આપે છે. ATSના એસપી આઈ.જી. શેખે જણાવ્યું હતું કે હત્યાની દુષ્પ્રેરણા અને હથિયાર મૌલાના અયુબ જાવરાવાલાએ આપ્યું હતું. શબ્બિર ચોપડાએ હત્યા કરી હતી. બાઈક ચલાવનાર ઈમ્તિયાઝ પઠાણની ધરપકડ કરી હતી.

સુરતમાં ઠેર ઠેર રેલી નીકળી.

શનિવારે જ આરોપી મહંમદ ઐયુબ યુસુબભાઈ જાવરાવાલાને કોર્ટેમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા.જોકે કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.જિલ્લા પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરી હતી.આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને લઈ પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરી હતી. આરોપીઓએ ધંધૂકાની સર મુબારક બુખારીદાદા દરગાહની પાછળ ખેતરમાં જે હથિયારથી ફાયરિંગ કર્યું હતું એ પિસ્તોલ તથા બાઇક મૂકી હતી. પોલીસે આ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Share Now