
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૧૧.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૦૨૯.૦૬ સામે ૬૦૨૭૫.૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૫૫૨.૪૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૦૯.૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૭.૧૪ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૭૭૧.૯૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૯૧૬.૨૫ સામે ૧૭૯૬૧.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૭૭૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૯.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૩.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૮૬૨.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી, પરંતુ સંવત ૨૦૭૭ પૂરૂ થતાં પહેલા શેરોમાં તેજીને આજે વિરામ આપવામાં આવ્યો હતો. ફંડો, મહારથીઓએ આજે કાલી ચૌદસના દિવસે કેપિટલ ગુડ્સ, રિયલ્ટી, મેટલ, બેઝિક મટિરિયલ્સ શેરોમાં સિલેક્ટિવ તેજી કર્યા સામે ટેલિકોમ, બેન્કેક્સ, ઓટો, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ફાઈનાન્સ શેરોમાં મોટું પ્રોફિટ બુકિંગ કરતાં અને હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ નફારૂપી વેચવાલીએ ઈન્ડેક્સ સેન્સેક્સ, નિફટી અફડાતફડીના અંતે ભારતીય શેરબજાર નેગેટીવ ઝોનમાં બંધ રહ્યું હતું. કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતના બીજા ત્રિમાસિકની સીઝનમાં ભારતી એરટેલ સહિતના પ્રોત્સાહક પરિણામો છતાં ફંડોએ આજે ઈન્ડેક્સ બેઝડ તેજીમાં સાવચેત રહી તેજીને વિરામ આપ્યો હતો.
તહેવારોની સીઝનમાં વાહનોની ખરીદીમાં વૃદ્વિની અપેક્ષા અને કન્ઝયુમર ડયુરેબલ્સના વેચાણમાં પણ સારી વૃદ્વિની અપેક્ષા છતાં આજે ફંડોએ શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી. વિવિધ પ્રતિકળ અહેવાલો અને ઉછાળે નફારૂપી વેચવાલીના દબાણ પાછળ આજે ભારતીય શેરબજારમાં પીછેહઠ નોંધાઈ હતી. ચાલુ માસમાં એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. ગત ઓક્ટોબર માસ દરમિયાન એફઆઈઆઈ દ્વારા બજારમાં સતત વેચવાલી હાથ ધરાઈ છે, આ નેગેટીવ ભૂમિકા પાછળ નોમુરા અને યુવીએસ દ્વારા ભારતીય ઇક્વિટીને ઊંચા વેલ્યુએશનના કારણે ડાઉનગ્રેડ કર્યા સાથે વેચવાલીના ભારે દબાણે બીએસઇ સેન્સેક્સે ૬૦૦૦૦ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૮૦૦૦ પોઈન્ટની મહત્વની સપાટી ગુમાવી દીધી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ, રિયલ્ટી, મેટલ, ઈન્ડસ્ટ્રીયલ, આઇટી, યુટિલિટીઝ, બેઝિક મટિરિયલ્સ, પાવર અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૦૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૫૭ અને વધનારની સંખ્યા ૧૫૮૫ રહી હતી, ૧૫૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૯૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, આગામી સપ્તાહમાં સંવત ૨૦૭૭ પૂરું થઈ રહ્યું હોવા સાથે સંવત ૨૦૭૮નો શુભારંભ ૪,નવેમ્બર ૨૦૨૧ના મૂહુર્ત ટ્રેડીંગ સત્ર સાથે થશે. નાણાંકીય તરલતાના મોરચે સાનુકુળ સ્થિતિ સહિતના અન્ય સાનુકુળ અહેવાલોના પગલે હાલ ચાલી રહેલ વિક્રમ સંવત ૨૦૭૭ ભારતીય શેરબજાર માટે છેલ્લા ૧૨ વર્ષમાં એટલે કે વિક્રમ સંવત ૨૦૬૫ પછી સૌથી શ્રેષ્ઠ વર્ષ પૂરવાર થયું છે. આ વર્ષ દરમિયાન બજારના મુખ્ય ઇન્ડેક્સમાં અંદાજીત ૪૦% સુધીનું વળતર નોંધાયું છે. તો બીજી તરફ વર્ષ દરમિયાન ફ્રન્ટ લાઈન શેરોમાં અંદાજીત ૯૨% સુધીનું વળતર મળેલ છે. વર્ષ દરમિયાન બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ અંદાજીત ૮૧% ઉછળ્યો હતો. જ્યારે મિડકેપ ઇન્ડેક્સ ૬૨% ઉછળ્યો હતો.
કોરોના મહામારી વચ્ચે રિઝર્વ બેંક દ્વારા નીચા વ્યાજ દરની નીતિ અપનાવાતા બજારમાં નાણાંકીય તરલતાના મોરચે સાનુકુળ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. આ ઉપરાંત લોકડાઉન બાદ અનલોકના વિવિધ તબક્કામાં સરકાર દ્વારા સંખ્યાબંધ રાહતના પગલા ભરાતા મહામારીના બીજા તબક્કા બાદ અર્થતંત્રમાં જોવા મળેલી એકધારી વૃધ્ધિ ઝડપી વેક્સીનેશનના કારણે કોરોનાના કેસમાં ઘટાડો તેમજ મહામારી બાદ કોર્પોરેટ ક્ષેત્રની આગેવાન કંપનીઓના પ્રોત્સાહક પરિણામોની પણ વિતેલા વિક્રમ સંવત વર્ષમાં બજાર પર સાનુકુળ અસર હતી.આમ, વિવિધ સાનુકુળ અહેવાલો પાછળ હાલ ચાલી રહેલ વિક્રમ સંવત ૨૦૭૭માં બીએસઇ સેન્સેક્સમાં અંદાજીત ૩૮% અને એનએસઈ નિફ્ટીમાં અંદાજીત ૪૦% સુધીનું વળતર મળ્યું હતું. ઉંચા વળતરની બીજી તરફ સેન્સેક્સ અને નિફ્ટીએ સંવત દરમિયાન ઐતિહાસિક સપાટીઓ હાંસલ કરી હતી.