કોરોના વાઇરસનું સંકટ ટળવાને બદલે વધી રહ્યું છે ત્યારે લૉકડાઉનની સમય મર્યાદાને લઇને લોકોને બહુ ઉત્સુકતા છે.આ અંગે વડાપ્રધાને રાજ્યોના મુખ્યમંત્રીઓ,લેફ્ટનન્ટ ગવર્નર્સ અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં પ્રશાસકો સાથે ચર્ચા કરીને નિર્ણય લેશે.આ સંવાદ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાશે અને શનિવાર સુધીમાં આ અંગે અંતિમ નિર્ણય જાહેર કરાશે.કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર તે સ્થળોથી પ્રતિબંધ હટાવવા તૈયાર છે જ્યાં કોવિડ-19ના કેસ નથી આવ્યા.
સૂત્રોનું કહેવું છે કે,અનેક સચિવોની સાથે જ નીતિ આયોગના ઉચ્ચ અધિકારીઓનું માનવું છે કે 15 એપ્રિલ બાદ પણ પૂર્ણ રીતે લૉકડાઉનના કારણે અર્થવયવસ્થાને ઘણું નુકસાન થશે.તેઓ એ ક્ષેત્રોમાં પ્રતિબંધ ખતમ કરવાના પક્ષમાં છે જે ‘રેડ ઝોન’ નથી.દેશભરમાં 5194 કેસ નોંધાયા છે જેમાંથી 4643 કેસ એક્ટિવ છે અને 401 દર્દી હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.બીજી તરફ, 149 લોકોનાં મોત થયા છે.આ ઉપરાંત એક દર્દી વિદેશ શિફ્ટ થઈ ચૂક્યો છે.
આ તરફ મંત્રીઓના સમુહે કરેલી એક બેઠક અનુસાર તેમનું માનવું છે કે સરકાર લૉકડાઉનની અવધિ લંબાવે કે ન લંબાવે તે પછીની વાત છે પણ શૈક્ષણિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓ પર 15 મે સુધી પ્રતિબંધ લગાવવો જોઈએ.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ ની અધ્યક્ષતાવાળી GoMએ એ નક્કી કર્યું કે ધાર્મિક કેન્દ્રો, શોપિંગ મૉલ અને શૈક્ષણિક સંસ્થાઓને 14 એપ્રિલ બાદ ઓછામાં ઓછા ચાર સપ્તાહ સુધી સામાન્ય પ્રવૃત્તિ શરૂ કરવાની મંજૂરી ન આપી શકાય. 14 એપ્રિલ હાલના લૉકડાઉનની છેલ્લી તારીખ છે.આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ,નાણા મંત્રી નિર્મલા સીતારામન પણ સામેલ થયા હતા