– ભારતમાં 32 કરોડ વિદ્યાર્થીઓનું ભણતર પ્રભાવિત, 15.81 કરોડ વિદ્યાર્થિનીઓ અને 16.25 કરોડ વિદ્યાર્થીઓ
– વિશ્વસ્તરે સૌથી વધુ અસર વિદ્યાર્થિનીઓના ભણતર પર પડી
એજન્સી, પેરિસ
કોરોના મહામારીને કારણે શાળા-કોલેજો અને અન્ય શિક્ષણ સંસ્થાઓ બંધ થવાથી દુનિયાના 191 દેશોના કુલ 157 કરોડ વિદ્યાર્થીઓનું ભણતર પ્રભાવિત થયુ છે.આ સંખ્યા અલગ-અલગ ધોરણોમાં પ્રવેશ લેનાર કુલ વિદ્યાર્થીઓનો 91.3 ટકા ભાગ છે.આ માહિતી સંયુક્ત રાષ્ટ્ર શિક્ષણ,વિજ્ઞાનીક અને સાંસ્કૃતિક સંગઠન યૂનેસ્કોના એક રિસર્ચમાં સામે આવી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે,શાળાઓ બંધ થવાને લીધે સૌથી વધુ અસર વિદ્યાર્થિનીઓના ભણતર પર પડી છે.યૂનેસ્કોની કોવિડ-19ને કારણે શાળાઓ બંધ થવા પર વૈશ્વિક સ્તરે કરાયેલા અધ્યયન મુજબ 14 એપ્રિલ 2020 સુધી સંભાવના અનુસાર 191 દેશોના 1,575,270,054 વિદ્યાર્થીઓ પર તેની અસર પડી છે.જેમાં કુલ વિદ્યાર્થીનીઓની સંખ્યા 74.3 કરોડ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે રશિયા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, ગ્રીનલેન્ડ સહિતના કેટલાક દેશોમાં સ્થાનિક કે વિસ્તારોમાં લોકડાઉન કરાયુ,જેનાથી આ દેશોમાં પણ વિદ્યાર્થીઓના ભણતર પર પ્રતિકૂળ અસર પડી છે.
યૂનેસ્કોના રિપોર્ટ મુજબ ભારતમાં કોરોના મહામારીને લીધે કરાયેલા લોકડાઉનથી આશરે 32 કરોડ વિદ્યાર્થીઓનુ ભણતર પ્રભાવિત થયુ છે.જેમાં 15.81 કરોડ વિદ્યાર્થિનીઓ અને 16.25 કરોડ વિદ્યાર્થીઓ સામેલ છે.
આ સાથે ચીનમાં 27.84 કરોડ, ઇરાનમાં કુલ 1.86 કરોડ વિદ્યાર્થીઓ, ઇટાલીમાં 1 કરોડ વિદ્યાર્થીઓ, જર્મનીમાં 1.53 કરોડ વિદ્યાર્થીઓ, ફ્રાન્સમાં 1.54 કરોડ વિદ્યાર્થીઓ, સ્પેનમાં 97 લાખ વિદ્યાર્થીઓ, બ્રિટનમાં 1.54 કરોડ વિદ્યાર્થીઓનુ ભણતર કોવિડ-19ને કારણે પ્રભાવિત થયુ છે.