સુરત,તા.૨૬
નવજીવન સર્કલ નજીક એક બેકાબૂ ડમ્પર ડિવાઈડર તોડી દુકાનમાં ઘૂસી ગયું હતું. જેથી ડમ્પરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરના જવાનોએ કટરથી કેબિન કાપી ઈજાગ્રસ્ત ડ્રાઈવરને બહાર કાઢયો હતો. ત્યારબાદ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, વહેલી સવારે ઘટના બની હોવાથી રસ્તા પર વાહનોની અવર-જવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
પવનપુત્ર કાર્ટીંગનું ડમ્પર લઈને ડ્રાઈવર રામગોપાલ પાલ(ઉ.વ.૩૦) વહેલી સવારે લઈને નવજીવ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી બેકાબૂ બનેલા ડમ્પરે એક અન્ય ડમ્પરને ટક્કર મારતા ડિવાઈડર પર ચડી ગયું હતું. ત્યારબાદ ડમ્પર ડિવાઈડર તોડી સ્પેર પાર્ટની દુકાનમાં ઘૂસી જતા ઉભુ રહી ગયું હતું. કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરે બૂમાબૂમ કરી રહ્યો હતો. દરમિયાન પોલીસ પીસીઆર વાનના ચાલકે ઘટનાને જોયા બાદ કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ ૩૦ મિનિટમાં કટરથી કેબિન કાપી ડ્રાઈવરને બહાર કાઢયો હતો અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડયો હતો.