ગબ્બર શક્તિપીઠ નજીક બે કરોડના થીમપાર્કનું યાત્રિકોનું સ્વપ્ન અધૂરું
અંબાજી
યાત્રાધામ અંબાજીમાં છ વર્ષ પૂર્વે ગબ્બર શક્તિપીઠ નજીક રૂપિયા બે કરોડના ખર્ચે થીમપાર્ક બનવવા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. પરંતુ આજ સુધી આ ભૂમિ ઉપર હજુ થીમપાર્કનો પાયો જ નંખાયો નથી. જેને લઈને તર્ક વિતર્કો થઈ રહ્યા છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વધતી યાત્રિકોની જનસંખ્યાને ધ્યાને લઈ સરકાર દ્વારા અનેક વિધ વિકાસલક્ષી અને પર્યટક સ્થળ લક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. જેના ઉદાહરણ સ્વરૂપ અંબાજી શક્તિપીઠ ગબર પર્વત ફરતે એકાવન શક્તિ પીઠનું નિર્માણ કરી યાત્રાધામ અંબાજીમાં આવતા સેંકડો શ્રદ્ધાળુઓને એકાવન શક્તિપીઠનો લાભ મળી શકે.
આ શક્તિ પીઠોના લોકાર્પણ પૂર્વે જ સરકાર દ્વારા શક્તિપીઠ ગબ્બર નજીક જ રૂપિયા 209.40 લાખના ખર્ચે વિશાળ થીમપાર્ક ઉભું કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ અંબાજી આવતા સેંકડો યાત્રિકોને મળી રહે. આ હેતુથી તત્કાલીન વનમંત્રી જસવંતસિંહ ભાભોરના હસ્તે થીમ પાર્કનું ભૂમિપૂજન સહીત અન્ય યોજનાઓનો પણ શિલાન્યાસ અને ખાત મુહૂર્ત વિવિધ ભાજપી આગેવાનો અને સરકારી અમલદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ બાબતને આજે છ વર્ષથી પણ વધુ સમય વિતી ગયો હોવા છતાં આજે પણ રૂપિયા બે કરોડના થીમપાર્કનું નામો નિશાન જોવા મળતું નથી. જેને લઈને સેંકડો શ્રદ્ધાળુઓમાં ભારે તર્ક વિતર્ક પ્રવર્તવા પામ્યા છે. આ અંગે અંબાજી વનવિભાગના ઉત્તર રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી ભૂતડીયાનો સંપર્ક કરતા તેમણે થીમ પાર્કની ગ્રાન્ટ પરત કરાઈ હોવાનું જણાવ્યું હતું. જોકે, ક્યા કારણ સર ગ્રાન્ટ પરત કરાઈ હોવા બાબતે પોતે અજાણ હોવાનું ઉમેર્યું હતું.