લગભગ 20 ક્લાકની પૂછપરછ બાદ રાણા કપૂરની ધરપકડ કરવામાં આવી
એજન્સી, નવી દિલ્હી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ રવિવારે સવારે દીવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ (ડીએચએફએલ) સાથે સંલગ્ન મની લોન્ડરિંગ કેસમાં નાણાંકીય સંકટથી ઝઝૂમી રહેલી યસ બેન્કના ફાઉન્ડર રાણા કપૂરની ધરપકડ કરી લીધી છે. ઈડીના અધિકારીઓએ રાણા કપૂરની લગભગ 20 ક્લાક સુધી પૂછપરછ કરી હતી.
રાણા કપૂરને રવિવારે સવારે 11 વાગ્યે કોર્ટની સમક્ષ રજૂ કરવામાં આવશે. ઈડીએ શુક્રવારે મોડી રાત્રે તેમના ઘરે દરોડ પાડ્યા હતા. શનિવારે સવારે કપૂરને પૂછપરછ માટે ઈડીની ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેઓ પૂછપરછમાં સહયોગ કરી રહ્યા નહતા. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, ઈડીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, યસ બેંકે ડીએચએફએલને લગભગ 3 હજાર કરોડ રૂપિયાની બેડ લોન આપી હતી. રાણા કપૂર અને ડીએચએફએલની વચ્ચે સંબંધની તપાસ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમના પર આરોપ છે કે લોનના બદલામાં કપૂરની પત્નીના ખાતામાં કથિત રીતે લાંચની રકમ મોકલવામાં આવી હતી. એજન્સી અન્ય કથિત ગેરરીતિની પણ તપાસ કરી રહી છે.