શ્રીનગરના મૃતક ધર્મગુરુ હતા જે ધાર્મિક કાર્યક્રમોમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, સાંબા, જમ્મુ, શ્રીનગર તેમજ સોપોર જઈ આવ્યા હતા
એજન્સી, નવી દિલ્હી
દેશના 25 રાજ્યોમાંથી કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 649ને પાર થઈ ગઈ છે. 16 દિવસમાં કોરોનાને કારણે 14 લોકોના મોત થયા છે. આજે શ્રીનગરમાં 65 વર્ષીય દર્દીએ જીવ ગુમાવ્યો છે. અગાઉ બુધવારે રાતે અમદાવાદમાં 85 વર્ષીય મહિલાનું મોત થયું હતું. વૃદ્ધ મહિલા હાલમાં જ વિદેશથી પરત ફરી હતી.
શ્રીનગર હોસ્પિટલમાં કોરોનાના 65 વર્ષના દર્દીનું મોત થયું તેનો આ સપ્તાહે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શ્રીનગરની ચેસ્ટ ડીસિઝ હોસ્પિટલ ખાતે આ દર્દીએ દમ તોડ્યો હતો. શ્રીનગરના મયેર જુનૈદ અઝિમ મટ્ટુએ મોત અંગે પુષ્ટિ કરી હતી. ટ્વિટર પર તેમણે લોકોને અપીલ કરી હતી કે પ્રવર્તમાન સંજોગોમાં કોરોના વાયરસના સંક્રમણની સાંકળને તોડવા લોકોએ ઘરમાં જ રહેવું જોઈએ.
શ્રીનગરમાં કોરોનાથી મૃત્યુ થયું છે તે વૃદ્ધ ધર્મગુરૂ હતા અને ધાર્મિક કાર્યક્રમોમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, સાંબા, જમ્મુ, શ્રીનગર તેમજ સોપોર જઈ આવ્યા હતા. જમ્મુ અને કાશ્મીરના આરોગ્ય વિભાગ દ્વારા 11 દર્દીઓની તપાસ કરવામાં આવી છે જે પૈકી પાંચે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હોવાનું જણાયું હતું જ્યાં મૃતક વ્યક્તિ પણ હાજર હતી. બાંદીપોરના ચાર શખ્સોનો કોરોના રિપોર્ટ બુધવારે પોઝિટિવ આવ્યો હતો.
બુધવારે મોડી સાંજે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં 65 વર્ષી મહિલાનું મોત થયું હતું. આ ઉપરાંત સવારે 54 વર્ષીય દર્દીએ પણ જીવ ગુમાવ્યો હતો. અગાઉ મંગળવારે મહારાષ્ટ્રમાં એક સંક્રમિત દર્દીનું મોત નિપજ્યુ હતું. અત્યાર સુધી જે 11 લોકોના મોત થયા છે તેમાંથી 8ને સુગર કે પછી બ્લડપ્રેશરની સમસ્યા હતી.
સોમવારે પશ્ચિમ બંગાળમાં 57 વર્ષીય આધેડ અને હિમાચલમાં અમેરિકાથી પરત ફરેલા એક તિબ્બતીનું મોત થયું હતું. અગાઉ રવિવારે મુંબઈમાં 63 વર્ષીય એક દર્દી અને પટણામાં 38 વર્ષીય સૈફનું મોત થયું હતું. સૈફને ડાયબિટીઝની બીમારી હતી અને તેની કિડની પણ ખરાબ હતી. સૈફ હાલમાં જ કતારથી પરત ફર્યો હતો.
છત્તિસગઢમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો છ પર પહોંચ્યો હોવાનું રાયપુર એઈમ્સના ડાયરેક્ટરે જણઆવ્યું હતું.
દિલ્હીમાં મોહોલ્લા ક્લિનિક ડોક્ટર તેમજ અન્ય ચાર લોકો સાઉદીથી પરત ફરેલી એક મહિલાના સંપર્કમાં આવતા તેમના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાથી દિલ્હીમાં કુલ 36 કેસ થયા છે. મોહોલ્લા ક્લિનિકના તબીબના સંપર્કમાં આવેલા 800થી વધુ લોકોને ફરજિયાત 14 દિવસના ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હોવાનું દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દર જૈને જણાવ્યું હતું.
મહારાષ્ટ્રઃ મુંબઈ અને થાણેમાં કોરોના પોઝિટિવના બે નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ પોઝિટિવ કેસનો આંકડો 124 થયો છે. ભારતમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ મહારાષ્ટ્રમાં થયા છે.