મોદી સરકાર ટૂંક સમયમાં જ લઈ શકે છે મોટો નિર્ણય, સીધા જ લોકોના ખાતામાં જમા કરાવશે પૈસા

305

કોરોના વાયરસના સંકટ વચ્ચે લોકડાઉનના કારણે નોકરીયાતો અને દેશના ગરીબોને કેન્દ્રની મોદી સરકારે મોટી રાહત આપે તેવી શક્યતા છે. દેશના 8 થી 10 કરોડ પરિવારોને મોદી સરકાર 5 થી 6 હજાર રૂપિયા સીધા જ તેમના બેંક એકાઉન્ટમાં આપે તેવી શક્યતા છે.

એક અહેવાલ પ્રમાણે આ મોદી સરકાર આ રકમ જે તે લોકોના બેંક એકાઉન્ટમાં જ જમા કરાવશે. જો સરકાર તરફથી આ પગલા ભરવામાં આવશે તો એવા ગરીબ પરિવારોને મોટી રાહત મળશે જે રોજીંદી જરૂરિયાતો પુરી કરવા આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે.

કોરોના વાયરસના વધતા કેસ પર નિયંત્રણ લગાવવા માટે કરવામાં આવેલા લોકડાઉનના કારણે દેશની અર્થ વ્યવસ્થા પર માઠી અસર પડી રહી છે. આ અસરને દૂર કરવા માટે પણ સરકાર પણ પુરજોશમાં પ્લાનિંગ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં 1.5 લાખ કરોડ રૂપિયાના આર્થિક પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી શકે છે. સરકારે હજી પેકેજને અંતિમ સ્વરૂપ આપ્યું નથી અને તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસ, નાણા મંત્રાલય તથા ભારતીય રિઝર્વ બેંક વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે.

એક ટોચના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ પ્રોત્સાહન પેકેજ 2.3 લાખ કરોડ રૂપિયા સુધીનું હોઈ શકે છે. આ રૂપિયાનો ઉપયોગ 10 કરોડ જનતાના એકાઉન્ટમાં રૂપિયા સીધા ટ્રાન્સફર કરવા અને લોકડાઉનથી વધારે અસરગ્રસ્ત થયેલા બિઝનેસની મદદ કરવા માટે કરવામાં આવી શકે છે.

આ અગાઉ દેશ કોરોના વાયરસને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં આર્થિક મોરચે લડત લડી રહ્યો છે ત્યારે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશવાસીઓને મોટી રાહત આપી છે. નાણાકીય વર્ષ 2018-19 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની તારીખ 30મી જૂન સુધી આગળ વધારી છે. નાણામંત્રીએ કહ્યું કે કોરોનાને પહોંચી વળવા માટે બહુ જલદી રાહત પેકેજ બહાર પાડવામાં આવશે. રાહત પેકેજ પર કામ હજુ ચાલુ છે. તેમણે કહ્યું કે કોરોના સામે લડત લડવા માટે લોકડાઉન કરાયું છે. કોરોનાથી બચવા માટે જરૂરી પગલાં લેવાયા છે.

આ ઉપરાંત નાણાકીય વર્ષ 2018-19ના ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં મોડું થાય તો પેનલ્ટીને પણ 12 ટકાથી ઘટાડીને 9 ટકા કરવામાં આવી છે. આધાર-પેન લિંક કરવાની તારીખ પણ આગળ વધારીને 30 જૂન કરવામાં આવી છે. ‘વિવાદથી વિશ્વાસ’ની સ્કીમની તારીખ પણ 30 જૂન સુધી વધારવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મંગળવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને ફેલાતો અટકાવવાના હેતુસર 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. જેના કારણે કામધંધા અને નોકરીઓ ઠપ્પ થઈ ગયા છે. લોકોને ઘરમાં જ રહેવા કહેવામાં આવ્યું છે.

Share Now