મૂળ સરસ્વતી તાલુકાના ભીલવણ ગામના અને સિદ્ધપુરમાં રહેતા શખ્સને કોરોના પોઝીટીવ : 19 માર્ચે મુંબઇથી સિદ્ધપુર સ્થિત બહેનના ઘરે આવ્યો હતો
સિદ્ધપુર
પાટણ જિલ્લામાં કોરોનાનો કોઈ પણ કેસ પોઝિટિવ ના આવતા જિલ્લાવાસીઓમાં હાશકારો અનુભવ્યો હતો. પરંતુ શનિવારે સિદ્ધપુરમાં તમન્ના સોસાયટીમાં રહેતા 47 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝીટીવ આવતા ફફડાટ ફેલાયો છે. જેને લઈ તંત્ર દ્વારા આરોગ્યની જુદી-જુદી છ ટીમો બનાવી સોસાયટી વિસ્તારમાં મેડિકલ ચેકઅપ તપાસ હાથ ધરી હતી તેમજ આખી સોસાયટીને પોલીસના બંદોબસ્ત વચ્ચે સીલ કરવામાં આવી હતી.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામના વતની અને મુંબઈથી 19 માર્ચે સિદ્ધપુર ખાતે આવેલ 47 વર્ષીય લુકમાનભાઈ અબ્દુલ રહીમ અરેડિયા વાળા તાવ-શરદી ખાંસીના લક્ષણો જણાતા સિદ્ધપુરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જેમાં શુક્રવારે કોરોનાગ્રસ્ત યુવકની તબિયત વધુ લથડતા તેને પાટણ ખાતે આવેલ ધારપુર મેડિકલ હોસ્પિટલના આઇશોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ રિપોર્ટ માટેના નમૂના અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં શનિવારે ૪૭ વર્ષિય વ્યકિતનો રીપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ થઇ ગઇ છે તેમજ આરોગ્ય તંત્ર દ્વારા સંક્રમિત વિસ્તારને ડીસઇમ્ફેકટ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. દર્દીના સંપર્કમાં આવેલા ૦૬ વ્યકિતઓ પૈકી પાંચ વ્યકિતઓને દેથળી ખાતે આઇએમએ હોસ્ટેલની કોરોન્ટાઇનમાં તથા ૦૧ વ્યકિતને ધારાપુર હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રખાયો છે. જ્યારે સંપર્કમાં આવેલા નેદ્રાણાના ૦૩ અને ચાટાવાડાના ૪ને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે.
સોસાયટીને પોલીસ બંદોબસ્ત વચ્ચે સીલ કરાઈ
કોરોનાગ્રસ્ત યુવક સિદ્ધપુરથી તાવડીયા રોડ પર આવેલ તમન્ના સોસાયટીમાં રહેતો હતો. જેમાં યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા તાત્કાલિક પોલીસ દ્વારા સોસાયટી સીલ કરવામાં આવી હતી તેમજ પાલિકા દ્વારા સેનેટાઈઝ કરવામાં આવ્યું હતુ અને આરોગ્ય વિભાગ દ્વારા તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
સિદ્ધપુર પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા અને સાવચેતી રાખવા ફ્લેગમાર્ચ યોજવામાં આવી
સિદ્ધપુર પોલીસના પી.એસ.આઈ વી.એસ.ચૌહાણ તેમજ સ્ટાફ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે છેલ્લા છ દિવસથી સમગ્ર સિદ્ધપુરમાં રાષ્ટ્રગીત વગાડી ઘરમાં રહો સુરક્ષિત રહો નો સંદેશ આપી લોકડાઉનમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જેને લઈ લોકો પણ લોકડાઉનને સમર્થન આપી રહ્યા છે.
સિદ્ધપુર તેમજ ભીલવણ આસપાસનાં ગામોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી
કોરોનાગ્રસ્ત યુવક સરસ્વતી તાલુકાના ભીલવણ ગામનો હોવાથી સિદ્ધપુર તેમજ સરસ્વતી તાલુકામાં આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો છે. જેને લઈ દશાવાડાથી કાલેડા અને કાલેડાથી વદાણી ગામને જોડતો રસ્તો ગ્રામજનો દ્વારા બંધ કરવામાં આવ્યો હતો. જેમાં હવે લોકોમાં કોરોનાનો ભય જોવા મળતા લોકો ચોક્કસ પણે ઘરમાં પુરાઈ રહેવા પામ્યા છે.
14 દિવસની કોરોના પોઝિટિવ વ્યકિતની હીસ્ટ્રી
– તા.19/03/2020ના રોજ મુંબઈથી તેની બહેનના ઘરે તમન્ના સોસાયટીમાં સાથે રહેતો હતો
– સિદ્ધપુર તાલુકાના સમોડા અને ચાટાવાડા ગામમાં પણ રોકાયો હતો
– ૨૬ માર્ચના રોજ શરદી અને તાવના લક્ષણો જણાતા ખાનગી હોસ્પિટલમા સારવાર પણ લેવામાં આવી હતી
– ૦૨ એપ્રિલના ફરી એકવાર વઘુ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો
– ૦૩ એપ્રિલના રોજ કોરોના પોઝિટીવ વ્યકિતને વઘુ અસર જણાતા ધારપુર મેડિકલ હોસ્પિટલમા ખસેડાયો, જ્યા લીઘેલા નમૂનામાં રીપોર્ટ પોઝિટીવ આવતા વ્યકિતને કોરોના આઇશોલેશન વોર્ડમા દાખલ કરીને સારવાર શરુ કરાઇ છે