દમણના રિંગણવાડામાં ટેક્ષટાઇલ કંપનીમાં ભીષણ આગ

328

– આગ સળગી ઉઠયા બાદ નિંદ્રામાં પોઢી રહેલા પાંચ કર્મચારી જાગીને બહાર નિકળી ગયા
– 15થી વધુ બંબા ઘટના સ્થળે પહોંચી લાશ્કરોએ 4 કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો

વાપી, તા. 7 એપ્રિલ 2020 મંગળવાર

દમણના રિંગણવાડા ખાતે આવેલી કંપનીમાં આજે મંગળવારે મળસ્કે અચાનક આગ લાગ્યા બાદ ઘોર નિંદ્રામાં પોઢી રહેલા પાંચ કમઁચારી જાગી જઇ બહાર નિકળી ગયા હતા. ભિષણ આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. લાશ્કરોએ ચાર કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

પ્રાપ્ત માહિતિ અનુસાર દમણના રિંગણવાડા ખાતે અરવિંદ ટેક્ષટાઇલ નામક કંપની આવેલી છે. આજે મંગળવારે મળસ્કે લગભગ ચાર વાગ્યાની આસપાસ અચાનક આગ સળગી ઉઠી હતી. કંપનીમાં આગ લાગતા જ ઘોરનિંદ્રામાં પોઢી રહેલા પાંચ કમઁચારીઓ જાગી જતા જીવ બચાવી કંપનીની બહાર આવી ગયા હતા. આગ વધુ તિવ્ર બનતા જોતજોતામાં આખી કંપની લપેટમાં આવી જતા દોડધામ મચી ગઇ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી ગયા હતા.

ઘટનાને પગલે દમણ,વાપી, સરીગામ, સેલવાસ સહિતાના ફાયર વિભાગના ૧૫થી વધુ બંબા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લાશ્કરોએ ભિષણ આગ પર કાબુ મેળવવા હાથ ધરેલી કવાયત દરમિયાન લગભગ ૪ કલાક બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. જો કે આ પહેલા આખી કંપની બળી ગઇ હતી. આગને પગલે પોલીસની ટીમ પણ પહોંચી ગઇ હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. પણ શોટઁસરકિટને લઇ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Share Now