વલસાડ,19 જૂન : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના 233 માછીમારોને ઈરાનથી નેવીના શીપમાં પોરબંદર લાવવામાં આવ્યાં હતા.આ માછીમારો 9 દિવસ બાદ ગુરુવારે વતન ઉમરગામ આવી પહોંચતા માછીમારોના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.તમામ માછીમારો ઈરાનમાં કોરોના મહામારી દરમિયાન ફસાયા હતાં. તમામને ઉમરગામમાં આરોગ્ય તપાસણી કરી ઘરે રવાના કર્યા હતા.
લોકડાઉન અગાઉ ઈરાનમાં ફસાયેલા માછીમારોએ ઈરાનથી સ્વદેશ પોતાના વતન આવવા સરકારમાં રજૂઆતોનો દોર ચલાવ્યો હતો.તેઓની સ્થિતી ઈરાનમાં લથડતા તેઓને વહેલી તકે ભારત લાવવા ફરી રજૂઆતો કરાઈ હતી.દેશમાં પણ કોરોનાની મહામારી ઉભી થતા સંપૂર્ણ દેશમાં તબક્કાવાર લોકડાઉન જાહેર થતા, હવાઈ સેવાની સાથે વાહન-વ્યવહાર થંભી જતા ભારતીય માછીમારોને ઈરાનથી ભારત લાવવામાં મુશ્કેલી ઉભી થઇ હતી.
જૂનમાં લોકડાઉન ખુલતા જ 9મી જૂનના રોજ ઈરાનના ચિરુંબંદરથી માછીમારોને દરિયાઈ માર્ગે નેવી દ્વારા પોરબંદર ખાતે લાવવામાં આવ્યાં હતા અને ત્યાંના ટ્રેનિંગ સેન્ટરમાં સાત દિવસ કોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા.9માં દિવસે ઉમરગામ તાલુકાના 233 જેટલા માછીમારોને પોરબંદરથી ઉમરગામ ટાઉનના નારગોલ-ઉમરગામ કોસ્ટલ હાઇવે પાસેના બુધીબેન ગોવિંદભાઇ બારી નામક હોલમાં લાવવામાં આવ્યા હતાં,જ્યા મેડિકલની ટીમ દ્વારા તેઓનું તબીબી પરિક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ અંગે ઉદ્યોગપતિ ઈશ્વર બારીએ જણાવ્યું હતું કે,ઈરાનમાં ફસાયેલ આ માછીમારોને વતન પરત લાવવાના કાર્યમાં ધારાસભ્ય અને રાજ્યપ્રધાન રમણલાલ પાટકર,સાંસદ સભ્ય,મરોલીના-નારગોલના કાંઠા વિસ્તારના અગ્રણીઓની સાથે ફસાયેલા કેટલાક માછીમારો પૈકીના યુવાનોની વારંવારની રજૂઆતોને ધ્યાને લઇ સરકારે નેવીની શિપ દ્વારા પોરબદર લાવી અને ત્યાંથી બસ મારફતે વતન પહોંચાડ્યા છે.આ માછીમારો વતન આવતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.