નવી દિલ્હી : દેશની પ્રીમીયર ગણાતી તમામ એજન્સીને કદાચ હવે રાજકીય સનસનાટી મચાવવા કે પછી કોઈ પોલીટીકલ- ટાર્ગેટ પાડવા માટે જ તાલીમબદ્ધ કરવામાં આવી હોય તેવા સંકેત છે.આ તમામ એજન્સીમાં હાલમાં થતી નિયુક્તિ એ પ્રશાશનીક યોગ્યતા કરતા રાજકીય વફાદારી વધુ માર્કસ આપી જાય છે તે જોવામાં આવ્યું છે.તમામ એજન્સી આંતરિક વિખવાદથી પણ પિડાઈ રહી છે અને કોઈપણ તપાસને શકય તેટલી લાંબી ખેચવામાં હજારો પાનાના ચાર્ટશીટ મુકવામાં તે માહિર બની ગઈ છે પણ અંતે પરિણામ તો શૂન્ય આવે છે.
ગઈકાલે બાબરી ધ્વંશ કેસમાં અદાલતે સ્પષ્ટપણે કહ્યું કે આરોપીઓ સામે જે સાક્ષી-પુરાવા રજુ થયા તે એટલા મજબૂત નથી કે તેના પરથી કોઈને પણ દોષીત જાહેર કરી શકાય અને તેથી તમામને નિર્દોષ છોડી મુકાય છે.આપણે અદાલતી નિરીક્ષણ કે ચૂકાદાના મેરીટમાં ન જોઈએ પણ સીબીઆઈની તપાસ પદ્ધતિ સામે પ્રશ્ર્ન ઉઠાવીએ તો આ તમામ એજન્સી લગભગ દરેક હાઈ-પ્રોફાઈલ કેસમાં નિષ્ફળ ગઈ છે અને તેની પ્રોફેશનલ ક્ષમતા સામે પણ પ્રશ્ન ઉઠયા છે જેમ સ્થાનિક પોલીસ તેના સ્તરે કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ જવા લાગી છે તેમ સીબીઆઈ પણ હવે આ પંથે જ છે.
હાલમાં રાજયસભાના સભ્ય બનેલા પુર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ એક નિરીક્ષણ વ્યક્ત કર્યુ હતું કે તપાસ એજન્સીમાં માનવ- સંચાલનની કમી છે. સીબીઆઈ જયાં સૌથી વધુ નિષ્ફળતાનો સામનો કરે છે તે કાનૂની બ્રાન્ચમાં જ 50% પદો ખોલી છે અને તેથી સીબીઆઈ ગમે તેવા મહત્વના કેસ હોય પણ તે કાનૂની રીતે મજબૂત બનાવી શકતી નથી અને અદાલતમાં સીબીઆઈ નિષ્ફળ જાય છે જેથી સમગ્ર તપાસનો કોઈ અર્થ જ રહેતો નથી. રસપ્રદ બાબત એ છે કે 2013માં ગુવાહાટી હાઈકોર્ટ સીબીઆઈની રચના ને જ ગેરકાનુની ગણાવી હતી પણ હાલ તે સુપ્રીમ કોર્ટના ‘સ્ટે’થી બચી ગયો પણ તેની ક્ષમતા સુધારી શકી નથી.
બહું દૂર ન જઈએ તો પણ દેશના રાજકારણને એક નવો વળાંક આપનાર બોફોર્સ કેસમાં રૂા.65 કરોડની દલાલી કોને મળી તે શોધવામાં સીબીઆઈએ બે દશકા લીધા અને રૂા.250 કરોડનો ખર્ચ કર્યા પછી હાઈકોર્ટે તમામ લોકો જયાં સીબીઆઈ ચાર્જશીટમાં હતા તેવો પુરાવાના અભાવે છૂટી ગયા તો રાજીવ ગાંધી હત્યાકાંડમાં છેક 1991થી કેસ દાખલ થયો અને સીબીઆઈ જે રીતે તપાસ કરતી રહી તેનાથી એક તબકકે અદાલતે કહેવું પડયું કે તમારી તપાસ તો અંતહીન હોઈ શકે છે. આવી જ સ્થિતિ ટુ-જી સ્પેકટ્રમ કૌભાંડ સીબીઆઈ લાખો પાનાના દસ્તાવેજો રજુ કર્યા જે જોઈને જ અદાલત આશ્ચર્યચકીત થઈ અને કેસ સાબીત થઈ શકયો નહીં.
દિલ્હીના હત્યાકાંડ જેવી એક મર્ડર મીસ્ટ્રીમાં પણ દિલ્હી પોલીસે ‘કેસ’ બગાડી નાખ્યો તેવું કહીને સીબીઆઈએ કેસ સાબીત કરવાના પ્રયાસો કર્યા પણ તલવાર દંપતિને અદાલતે છોડી મુકયા છે અને કર્ણાટકમાં હાલના મુખ્યમંત્રી યેદુરપ્પાને લગભગ સજાની નજીક લઈ જવાયા પણ ઓચિંતા અદાલતમાં કેસ મજબૂત ન થયો અને સીબીઆઈ નિષ્ફળ ગઈ હતી.