– છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના પાંચ તાલુકામાં દોઢ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો
– જુ બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે
ગાંધીનગર : ગુજરાતમાં આજે વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનો ત્રીજો દિવસ છે.ત્રણ દિવસના વાતાવરણમાં પલટાની આગાહી વચ્ચે આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના ૨૮ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના વાંસદામાં સૌથી વધુ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.તો ડાંગના વઘઈમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો નોંધાયો છે.તો બીજી તરફ,રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 142 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે.
છેલ્લાં 24 કલાકના હવામાન ખાતાના અપડેટની વાત કરીએ તો….
– ગુજરાતમાં સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ સુરતના ઉમરપાડા વિસ્તારમાં નોંધાયો હતો
– છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના પાંચ તાલુકામાં દોઢ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે
– રાજ્યના 21 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો
– આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન 24 તાલુકામાં વરસાદ જોવા મળ્યો
– નવસારીના વાસદામાં સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ
હવામાન ખાતાની આગાહી મુજબ,ગુજરાતમાં 10 થી 12 ડિસેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર હેઠળ વાતાવરણમાં પલટો આવ્યો છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લૉ પ્રેશર સક્રિય થયું હોવાથી ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા છે.શુક્રવારે ગુજરાતના 136 તાલુકામાં માવઠું પડ્યું હતું.હવે 2 દિવસ બાદ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. 2 દિવસ પછી 3થી 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે.હજુ બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.આજે અને આવતીકાલે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.હવામાનના પલટાની સીધી અસર ખેડૂતો પર પડી છે.ખેતરોમાં ઉભો પાક અને યાર્ડમાં પડેલો માલ પલળતાં ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે.
વડોદરાના પાદરા તાલુકામાં માવઠાના કારણે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.વરસાદના કારણે કપાસ,ડાંગર,તુવેર સહિતના પાકને નુકસાન થયું છે. ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે.ગુજરાતના મોટાભાગના શહેરોમાં મેઘ મહેર જોવા મળ્યા પછી અમદાવાદ,વડોદરા,રાજકોટ જેવાં શહેરોમાં ધીમી ધારે વરસાદ પડ્યો છે. ત્યારે પાદરા પંથકમાં વરસાદના પગલે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયુ છે.પાદરાના વિવિધ ગામોમાં કપાસની ખેતી કરતા ખેડૂતોના પાકને ભારે નુકશાન થવા પામ્યું છે.
અમદાવાદમાં આજે પણ જોવા મળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સવારથી જોવા મળી રહી છે.સમગ્ર અમદાવાદના વાતાવરણમાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે. સવારથી જ ધુમ્મસભર્યા વાતાવરણથી લોકોને મુશ્કેલી સર્જાઈ છે. 500 મીટરના અંતરે પણ સામેનું વાહન જોવામાં ચાલકોને મુશ્કેલી પડી રહી છે.લાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવું પડે તેવી સ્થિતિ ઉદભવી છે.વાતાવરણ ઠંડુ બનતા શહેરમાં ઠંડીનો ચમકારો પણ વધ્યો છે.સામાન્ય દિવસો કરતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.