નવી દિલ્હી : દિલ્હીની એક અદાલતે આગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર મની લોન્ડરિંગ કેસમાં પ્રોપર્ટી બિઝનેસ જાયન્ટ એમ્માર એમજીએફના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર શ્રવણ ગુપ્તા વિરુદ્ધ જારી કરાયેલ બિનજામીનપાત્ર વોરંટ (એનબીડબ્લ્યુ) રદ્દ કરવાનો ઇનકાર કરી દીધો છે.કોર્ટે કહ્યું કે તે (ગુપ્તા) તપાસમાં સહકાર આપી રહ્યા નથી.
અદાલતે ગુપ્તાની બિનજામીનપાત્ર વોરંટ રદ કરવાની અરજીને તેવું કહીને ફગાવી દીધી કે, આમાં કોઈ જ દમ નથી”. કોર્ટે કહ્યું કે ગુપ્તા સામે 29 ઓગસ્ટે વોરંટ ઇશ્યૂ કરાયું હતું કારણ કે સમન્સ મળ્યા બાદ પણ તે તપાસમાં હાજર ન હતો અને કોઈને કોઈ બહાના કરીને તપાસથી બચવાની કોશિશ કરી રહ્યાં હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ કહ્યું હતું કે ગુપ્તાએ નવ સમન્સ મોકલ્યા હોવા છતાં તપાસમાં સહયોગ કરવા માટે સામેલ થયા નહતા,તે પછી તેમની સામે એનબીડબ્લ્યુ બહાર પાડ્યું હતું.
વિશેષ ન્યાયાધીશ અરવિંદ કુમારે 5 ડિસેમ્બરે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, “હાલના કેસમાં અરજદાર સમન્સ મેળવ્યા બાદ પણ તપાસમાં સામેલ થયા નહીં અને તે કોઈને કોઈ બહાનું કરીને તપાસ ટાળવાનો પ્રયાસ કરી રહ્યાં છે.”
ઈડીએ ગુપ્તા સાથે 2016માં 3600 કરોડ રૂપિયાના વીવીઆઈપી હેલિકોપ્ટર ડીલ કેસમાં પૂછપરછ કરી હતી.ઇટાલીના ફિનમેક્કેનિકાની બ્રિટીશ સહાયક કંપની આગસ્તા વેસ્ટલેન્ડથી 12 વીવીઆઈપી હેલિકોપ્ટરની ખરીદીમાં કથિત ગેરરીતિઓ બાદ ઇડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. 2014 માં ભારતે આ સોદો રદ્દ કર્યો હતો.એજન્સીએ 2018 માં ગુપ્તાની સ્વિસ બેંકના ખાતામાંથી 10.28 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી