
સાપુતારા : ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે ચૂંટણી ઇન્ચાર્જ કેબિનેટ મંત્રી ગણપત વસાવા અને સહ ઇન્ચાર્જ અશોક ધોરજીયાની બેલડીની અધ્યક્ષ સ્થાને કોવિડની ગાઈડ લાઈનને અનુલક્ષીને આહવા તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકોના ઉમેદવારો સાથે સમર્થકોની બુથ વિશ્લેષણ અંગે બેઠક યોજાઇ હતી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે આગામી તાલુકા જિલ્લા પંચાયતમાં ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરી દેવાઈ છે.ગુરુવારે કેબિનેટ મંત્રી ગણપત વસાવા,સહ ઇન્ચાર્જ અશોક ધોરજીયા,પાર્ટી પ્રમુખ દશરથ પવાર,ધારાસભ્ય વિજય પટેલ મહામંત્રીઓ,માજી ધારાસભ્ય મંગળ ગાવીત,મંડળ પ્રમુખ હીરાભાઈ,દિનેશભાઇ ,માજી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા,દિલીપભાઈ ચૌધરીની ઉપસ્થિતીમાં કાર્યકરો અને સંભવિત ઉમેદવારો સાથે બેઠક યોજી ચૂંટણી અંગે છણાવટ કરવામાં આવી હતી.આહવા તાલુકાની 16 બેઠકો અને જિલ્લા પંચાયતની 8 બેઠકો પર વિસ્તૃત વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.ભાજપના સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને સ્વીકારી દરેક તાલુકાના મોટા ભાગની તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે સિંગલ નામો ચર્ચાયા હતા.તેવી જ રીતે જિલ્લા પંચાયતના ઉમેદવારોમાં અપવાદ બાદ કરતાં નજીવા બેઠકો પર 2,3 નામોની ચર્ચા ઉઠી હતી,જોકે ભાજપ મોવડી મંડળ નક્કી કરેલા ઉમેદવાર પર પસંદગી કરવામાં આવશે તેમ સૌ કાર્યકરોએ સંમતિ દર્શાવી હતી.આગામી દિવસોમાં ભાજપ પાર્લામેન્ટરી દ્વારા ઉમેદવારોની પસંદગી પૂર્ણ કરવામાં આવશે.આજરોજ યોજાયેલી બેઠકમાં ભાજપી કાર્યકરો,આગેવાનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.ગત ચૂંટણીમાં હારજીતના કારણોની છણાવટ કરવામાં આવ્યું હતું. વિધાનસભા ચૂંટણીમાં જંગી મતોથી વિજય મેળવ્યા બાદ તાલુકા જીલા પંચાયતમાં પણ ભાજપને જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત થાય તેવો દાવો જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ પવારે કર્યો હતો.