
વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છેલ્લા કેટલાક સમયથી બેફામ બન્યાં છે.તેમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના પુત્રને ટિકિટ ન અપાતા મધુ શ્રીવાસ્તવ આક્રોશ ઠાલવવાના ચક્કરમાં રીતસરના ભાન ભુલ્યા છે.જેના નિશાન અને જોરે પોતે ચૂંટાઈ આવે છે તે ભારતીય જાણતા પાર્ટીને તો એલફેલ બોલે જ છે પણ હવે તો સરકારી અધિકારીઓ ,પોલીસ અધિકારીઓ ,મામતલદાર ,ટીડીઓ અને કલેકટરને પણ ધમકાવવા લાગ્યા છે.જો કે આશ્ચર્યજનક વાત તો છે કે શિસ્ત માટે જાણીતા ભાજપ પક્ષે પણ મધુ શ્રીવાસ્તવ વિરુદ્ધ કોઈ ઠોસ કાર્યવાહી ન કરતા અને ભલભલા દિગ્ગજો સામે નમતું ન જોખતા પક્ષે આ મામલે કેમ મૌન સેવી લીધું છે તેને લઈને અનેક પ્રકારના તર્ક વિતર્ક લોકોમાં વહેતા થયા છે.જે પ્રમાણે ભાજપ મધુ શ્રીવાસ્તવની લુખ્ખી દાદાગીરી સાંખી રહ્યું છે તેને લઈ પ્રજાના મનમાં પણ હવે અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.
તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમ્યાન વાઘોડિયાના ધારાસભ્યે લવારા કરી વિવાદનો મધુ પૂડો છંછેડ્યો હતો.ભાજપના કાર્યાલયના ઉદઘાટન વેળા જાણે રીતસરની ધમકી આપતા હોય એમ કહ્યું હતું કે પ્રજાના કામ નહિ થાઈ તો મામતલતદાર અને ડીડીઓને 14મુ રત્ન બતાવીશ.
મધુ શ્રીવાસ્તવ વિવિદો સર્જવાનું બીજું નામ હોઈ એમ છાસવારે વિવાદોને પલીતો ચાંપતા રહે છે.બે દિવસ અગાઉ પોલીસ અને કલેક્ટરને તો હું ઘજવામાં રાખું છું એવો વાણીવિલાસ કર્યો હતો જેના પડઘા હજી શમ્યા નથી ત્યાં ફરી નવો વિવાદ શરુ કર્યો છે.મધુ શ્રીવાસ્તવ છેડે ચોક સરકારી અધિકારીઓએ અને મીડિયાકર્મીઓને સવાલ પૂછવા ઉપર ખુલ્લેઆમ ધમકી આપે છે છતાં પણ તેમના ઉપર કોઈ કાર્યવાહી ન થતા સરકારી અધિકારીઓમાં પણ ભય ફેલાયો છે.જન પ્રતિનિધિ તરીકેની પોતાની છાપ નેવે મૂકી દીધી હોય એમ મધુ શ્રીવાસ્તવની રોડ છાપ લુખ્ખા જેવું વર્તન હવે અધિકારીઓ માટે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યું એમ લાગે છે.
તો બીજી તરફ લોકોને પણ સવાલ સતાવી રહ્યો છે કે શું પાર્ટી લાઈન અને વિચારધારાથી હટીને બેફામ બણગાબાજી અને લુખ્ખાગીરી કરનારા મધુ શ્રીવાસ્તવ સામે દુનિયાની સૌથી મોટી પાર્ટી શા માટે પગલાંઓ નથી લઈ રહી ? મધુના આ પ્રકારના વર્તન અને વાણીને કારણે ભાજપ પક્ષની આબરૂનું સ્થાનિક કક્ષાએ ધોવાણ થઇ રહ્યું છે અને પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી રહી છે.