કડોદરા પાલિકાના માજી પ્રમુખ સીમાદેવી ઠાકુર અને કારોબારી અંકુર દેસાઈ વિરુદ્ધ પ્રાદેશિક કમિશ્નરને ફરિયાદ : 2.50 કરોડ રિકવર કરવા માંગ

313

– એરીયાબેઝ આકારણી ના કરી હોવાથી 5 વર્ષમાં સરકારની તિજોરીને 2.50 કરોડનો ફટકો

કડોદરા : કડોદરા પાલિકાની ચૂંટણી પૂરી થયે એક અઠવાડિયું થયું છે.ત્યારે અગાઉની ટર્મના પાલિકા પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ દ્વારા પંચાયત સમયે જે રીતે આકારણી કરવામાં આવતી હતી તે રીતે પાલિકા દ્વારા આકારણી કરવામાં આવી હતી.ત્યારે એરીયા બેઝ આકારણી ન કરતા પાંચ વર્ષના પાલિકાના શાસન દરમ્યાન સરકારને રૂ. 2.50 કરોડનુ નુકશાન થયું હોવાની ફરિયાદ પાલિકાના માજી સભ્ય દ્વારા પ્રાદેશિક કચેરીમાં કરવામાં આવી હતી અને માજી પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ પાસેથી વસૂલાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.જેને લઈ કડોદરા પાલિકાનું રાજકારણ ગરમાયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરા પાલિકાની ચૂંટણી બાદ નવા પ્રમુખ કે કારોબારી મંડળની નિમણૂંક હજુ થઈ નથી ત્યારે અગાઉની ટર્મના પાલિકાના પ્રમુખ સીમાદેવી ઠાકુર તેમજ કારોબારી અધ્યક્ષ રહી ચૂકેલા અંકુર દેસાઇ દ્વારા ગ્રામપંચાયતનું પાલિકામાં રૂપાંતર થયા બાદ નગર પાલિકા અધિનિયમ 1963ની જોગવાઇઓ લાગુ પડતી હતી અને નગરપાલિકાના અધિનિયમ 1963ની કલમ 99-(ક) હેઠળ પાલિકાના વિસ્તારમાં આવેલ મિલકતનો વેરો એરીયાબેઝ આધારે લેવાનો હતો.અને ગુજરાત નગરપાલિકાના અધિનિયમ 1963ની કલમ 45ની જોગવાઈઓ અનુસાર નગરપાલિકામાં કારોબારી તેમજ નાણાકીય ઉપર નિયંત્રણો રાખવાની તથા કાયદાની જોગવાઇઓની પાલન કરવાની જવાબદારી નગરપાલિકાના પ્રમુખની હોવા છતાં તેઓના કાર્યકાળ દરમ્યાન પાલિકા વિસ્તારમાં આવેલ મિલકતોનું મિલકત વેરો નગરપાલિકા અધિનિયમની જોગવાઇઓ તેમજ સરકાર દ્વારા મંજૂર કરેલ નિયમોઅનુસાર વેરો વસૂલ કરવાને બદલે ગ્રામપંચાયત સમયમાં જે રીતે મિલકતવેરો લેવામાં આવતો હતો.તે મુજબ મિલકતોની આકારણી કરાવીને નગરપાલિકાને મિલકતવેરાની આવકને મોટું નુકશાન કરી પ્રમુખ તરીકે ફરજ દરમ્યાન એરીયાબેઝ આધારે મિલકતવેરો વસૂલ ન કરતાં તેમજ મિલકત વેરાના નિયમો મુજબ દરને વર્ષે મિલકત વેરાના દરમાં 10 ટકા વધારાનો અમલ ન કરવાના કારણે પાંચ વર્ષમાં નગરપાલિકાને રૂ. 2.50 કરોડની આવકનું નુકશાન થયેલ છે.ત્યારે આ નુકશાનની ભરપાઈ પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ પાસેથી વસૂલવા માટે પાલિકાના માજી સભ્ય દેવેન્દ્ર પટેલ દ્વારા સુરત પ્રાદેશિક કચેરીએ લેખિતમાં ફરિયાદ કરી હતી.ત્યારે નવા પ્રમુખની વરણી હજુ થઈ નથી ત્યારે માજી પ્રમુખની સામે પ્રાદેશિક કચેરીએ થયેલ ફરિયાદને લઈ કડોદરાનું રાજકારણ ફરી ગરમાયું છે.

Share Now