દેશમાં કોરોના વાઇરસ મહામારીના પ્રકોપ વચ્ચે ભારતીય ધનપતિઓ દેશ છોડી યુએઈ જઇ રહ્યા છે.આ વચ્ચે યુએઈ માટે ટિકિટના ભાવમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે.આટલું જ નહીં પ્રાઇવેટ જેટની માંગ પણ આ દિવસોમાં વધી ગઈ છે. યુએઈની ફ્લાઇટ્સ બંધ થાય તે પહેલાં લોકો અહીં મોટી સંખ્યામાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.ભારતમાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે.હોસ્પિટલોની પણ સ્થિતિ ખૂબ જ ખરાબ છે.એવામાં યુએઈએ રવિવારથી ભારત તરફથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે.
10 ગણું ભાડું ચુકવી દુબઈ જઇ રહ્યા છે ધનપતિઓ
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર યુએઈથી ભારત વચ્ચે એરરૂટ વ્યસ્તતમ રૂટમાંથી એક છે.ફ્લાઇટ ટિકિટના ભાવની તુલના કરતી વેબસાઇટ અનુસાર મુંબઈથી દુબઈ સુધીની કોમર્શિયલ ફ્લાઇટ ટિકિટની કિંમત 80 હજાર રૂપિયા થઈ ગઈ છે.તે સામાન્ય કિંમતથી 10 ગણી વધી છે.દિલ્હીથી દુબઈ જતી ફ્લાઇટ્સની ટિકિટમાં પચાસ હજારથી વધુનો વધારો થયો છે, જે સામાન્ય દિવસોના ભાવના પાંચ ગણા છે.જોકે પ્રતિબંધની જાહેરાત થયા બાદ રવિવારથી ફ્લાઇટની કોઈ ટિકિટ ઉપલબ્ધ નથી.
ચાર્ટર પ્લેનની માંગ વધી
એક એર ચાર્ટર સર્વિસ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે પ્રાઇવેટ જેટની પણ માંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.તેમણે જણાવ્યું કે આવતીકાલે 12 ફ્લાઇટ્સ દુબઇ જઇ રહી છે અને તમામ ફ્લાઇટ્સ ફૂલ છે.એક અન્ય અધિકારી મુજબ લોકો ગ્રુપ બનાવીને પ્રાઇવેટ જેટ બુક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.થાઇલેન્ડના સંબંધમાં પણ અમારી પૂછપરછ કરવામાં આવી છે, પરંતુ મોટાભાગના લોકો દુબઈ માટે જ પૂછી રહ્યા છે.ડિમાન્ડ પૂરી કરવા માટે અમે વિદેશથી વધુ એરક્રાફ્ટ મળે તેવી અપીલ કરી છે.મુંબઇથી દુબઇ જવા માટે 13 સીટર વિમાનનો ખર્ચ 38 હજાર ડોલર છે, જ્યારે છ સીટર માટે 31 હજાર ડોલરનો ખર્ચ ચૂકવવો પડશે.
સ્થાનિક મીડિયા મુજબ યુએઈ અને ભારત વચ્ચે એક સપ્તાહમાં 300 કોમર્શિયલ ફ્લાઇટ્સ ચાલે છે.યુએઈની ઉડ્ડયન ઓથોરિટીનું કહેવું છે કે ભારત અને અન્ય દેશોથી આવતા લોકોને 14 દિવસ અલગ રહેવું પડશે.