– ધમકીઓ મળ્યા બાદ પૂનાવાલા થોડા સમય માટે સહપરિવાર બ્રિટન જતા રહ્યા
નવી દિલ્હી, તા. 3 મે : સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાના કથિત રીતે કેટલાક નેતાઓ દ્વારા ધમકી અપાયાના નિવેદન મામલે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ પોતાની પ્રતિક્રિયા આપી છે.પટોલેના કહેવા પ્રમાણે પૂનાવાલાએ જેમણે તેમને ધમકીઓ આપી છે તે નેતાઓના નામ સાર્વજનિક કરવા જોઈએ.
નાના પટોલેએ કહ્યું હતું કે, ‘અદાર પૂનાવાલાનું કહેવું છે કે, કેટલાક નેતાઓએ તેમને ધમકી આપી છે.કોંગ્રેસ તેમની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી લે છે,પરંતુ તેમણે એ સાર્વજનિક કરવું જોઈએ કે તે કોણ નેતા છે.’
ધમકી મળ્યા બાદ ગયા બ્રિટન
પૂનાવાલાને દેશના જ કેટલાક નેતાઓ અને શક્તિશાળી લોકોએ ધમકીઓ આપી હતી.ત્યાર બાદ તેઓ કેટલાક દિવસ માટે સહપરિવાર બ્રિટન જતા રહ્યા હતા.પૂનાવાલાએ પોતે જ તેમને વેક્સિન માટે દેશના કેટલાક શક્તિશાળી લોકો ધમકાવી રહ્યા હોવાની માહિતી આપી હતી.
કેન્દ્રએ આપી Y શ્રેણીની સુરક્ષા
ઉલ્લેખનીય છે કે, પૂનાવાલાને ધમકીઓ મળી ત્યાર બાદ કેન્દ્ર સરકારે તેમને વાય શ્રેણીની સુરક્ષા ઉપલબ્ધ કરાવી હતી.ભારત સરકારના અધિકારીઓએ પૂનાવાલાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સુરક્ષા આપવામાં આવી હોવાની માહિતી આપી હતી.