– ટેમ્પોમાં ગૌમાંસ હોવાની શંકા ઊભી થઈ
સુરત : સુરત શહેરના ગુજરાત ગેસ સર્કલથી અઠવાગેટ તરફ જતા સરદાર બ્રિજ ઉપર આજે વહેલી સવારે પીકઅપ ટેમ્પો પલટી ગયો હતો.આશ્ચર્યની વાત એ હતી કે ટેમ્પોમાં ગૌમાંસ હોવાની શંકા ઊભી થઈ છે.ટેમ્પો એટલી પુરપાટ ઝડપે ડિવાઈડર સાથે અથડાયો કે આખા રસ્તા ઉપર માંસના લોચા વેરવિખેર થઈ ગયા હતા.ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલીક અસરથી ઘટના સ્થળ પર પહોંચીને થોડીવાર માટે બ્રિજ બંધ કરાવી દીધો હતો.
પીકઅપ ટેમ્પોના ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.ઘટના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ડેપ્યુટી પોલીસ કમિશનર ભાવના પટેલ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.માંસનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં રસ્તા ઉપર વિખરાયેલ જોવા મળતા ફાયર વિભાગને જાણ કરીને તેને સાફ કરી દેવામાં આવ્યો હતો.તેમજ માંસને ટેમ્પોમાં ભરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરાવી હતી.
ગૌમાંસ હશે તો FIR કરવામાં આવશે
ઉમરા પીઆઇ કે.બી. ઝાલાએ જણાવ્યું કે વહેલી સવારે સરદાર બ્રિજ પર ઘટના બની હતી.પીકઅપ ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો છે તેમજ એફ.એસ.એલ.માં મોકલીને બ્રિજ ઉપર જે માંસ મળ્યું છે,તે ગૌવંશ છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.જો ગૌવંશ હોવાનું માલૂમ પડશે તો FIR કરવામાં આવશે.
સમાજસેવી અને ગૌશાળા ચલાવનાર વિનોદ જૈનને જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે તે ઘટના સ્થળ પર પહોંચીને વીડિયો લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.જેથી સ્થળ પર પોલીસે તેને રોકીને ધક્કામુક્કી કરી હતી. જેમાં તેમને સામાન્ય ઈજા પણ થઈ હતી. જોકે પોલીસે આ માટે તેમણે મોબાઈલમાં વીડિયો ન ઉતરવા દીધો તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.
ગૌરક્ષકો ભારે રોષ જોવા મળી રહ્યો છે
સમગ્ર ઘટનાને લઇને ગૌરક્ષકો ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગાયનું કતલ કરવું એ ગેરકાયદેસર હોવા છતાં પણ કેટલાક લોકો તેને ઉપરવટ જઇને કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે.તાજેતરમાં જ લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ગૌમાંસ વેચાતો હોવાની જાણ ગૌરક્ષકોને થતા 150 કિલો કરતાં પણ વધુ ગૌમાંસ જ ઝડપી પાડ્યું હતું.સુરતમાં કેટલાક વિસ્તારોમાં ગૌમાંસ કતલખાનામાંથી લાવીને વેચવાની પ્રવૃત્તિ ચાલી રહી છે તેને લઈને ગૌરક્ષકો નારાજગી જોવા મળી રહી છે.પોલીસે આ બાબતે ગંભીરતાથી લઈને ગાયને કતલખાને લઇ જવાતા રોકવી તેમજ ગૌમાંસ વેચાણ બંધ થાય તેના માટે સખ્તાઇપૂર્વકની કામગીરી કરવી જરૂરી છે.