બારડોલી : ઓનલાઈન હની ટ્રેપને લઈને તપાસ કરી રહેલી સુરત જિલ્લા એલ.સી.બી.ને મોટી સફળતા મળી હોવાનું જાણવા મળે છે.રાજસ્થાનના અલવર જિલ્લામાં હનીટ્રેપનું સમગ્ર નેટવર્ક હોવાનું બહાર આવ્યું છે.હાલ પોલીસ તપાસ ચાલુ હોય આગામી દિવસમાં એલ.સી.બી દ્વારા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
ગત દિવસો દરમ્યાન સુરત જિલ્લાના બારડોલી પંથકમાં ફેસબુક મેસેન્જરના માધ્યમથી લોકોને હનીટ્રેપનો શિકાર બનાવી અશ્લીલ વીડિયો વાઇરલ કરવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. જિલ્લા પોલીસના એક ફોજદારથી લઈ બારડોલી નગરપાલીકાના નગરસેવક પણ મોહમાયામાં ફસાય ગયા હતા અને એક પછી એક વીડિયો વાઇરલ થવા લાગ્યા હતા.આ મામલે નગરસેવક દક્ષેશ શેઠે સાયબર સેલમાં ફરિયાદ પણ આપી હતી.જેની તપાસ સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમ કરી રહી છે. એલ.સી.બી.ની ટીમે ઘણા સમયથી રાજસ્થાનના અલવર જિલ્લામાં ધામા નાખ્યા હતા. અલવર વિસ્તારમાંથી જ સમગ્ર નેટવર્કનું સંચાલન થતું હોય પોલીસ દ્વારા શોધખોળ આદરવામાં આવી હતી.હાલમાં પણ એલ.સી.બી.ની એક ટીમ રાજસ્થાનમાં જ હોવાનું જાણવા મળી રહ્યું છે.સુત્રોનું માનવામાં આવે તો હનીટ્રેપ મામલે એલ.સી.બી.એ મોટી સફળતા પ્રાપ્ત કરી છે.એલ.સી.બી. દ્વારા આગામી દિવસમાં સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા અને અને તેમાં કોણ કોણ સામેલ છે તે બાબતે પણ ઊંડાણ પૂર્વક તપાસ ચાલી રહી છે.