વડોદરા : વડોદરાના ભાયલીની એક પરણીતાએે છેલ્લા કેટલાક દિવસોથી ફોન કરી હેરાન કરતાં કરજણના રોમિયોને પતિની મદદથી સેવાસી ચેક પોસ્ટ પાસે ટ્રેપ ગોઠવી ઝડપી પાડયો હતો.કરજણમાં ભજીયાની લારી ચલાવતાં આરોપી ઈમરાનને બરાબરનો મેથીપાક ચખાડી તાલુકા પોલીસના હવાલે કર્યો હતો.
ભાયલી વિસ્તારમાં રહેતી એક 30 વર્ષીય પરણીતાના મોબાઈલ નંબર પર થોડા દિવસો પહેલા ફોન આવ્યો હતો.જેથી પરણીતાએ રોંગ નંબર કહી ફોન કટ કરી નાંખ્યો હતો,તેમ છતાં રોમિયો સતત ફોન કરી હેરાન કરતો હતો.તાજેતરમાં રોમિયોએ મેં તમને સાડીમાં જોયા હતા, તમે સારા લાગો છો, મને ગમી ગયા છો, તેમ કહી પરણીતાએ ઈમ્પ્રેશ કરવાનો પ્રયાસ કરતો હતો.ત્યારબાદ પરણીતાએ પતિને જાણ કરી હતી.જેથી પતિએ તેને વડોદરા મળવા બોલાવવાનું નક્કી કર્યું હતું. દરમિયાન રોમિયોનો ફોન આવતાં જ પરણીતાએ તેની સાથે મીઠી વાતો કરી સેવાસી પોલીસ ચોકી પાસે મળવા બોલાવ્યો હતો.રોમિયો પણ પરણીતાને મળવા અધીરો બન્યો હતો.તેણે પરણીતાને ફોન પર કહ્યું કે, હું કરજણથી બાઈક લઈ આવું છું, મેં ક્રિમ કલરનું શર્ટ પહેર્યુ છે.જેથી પરણીતાએ પણ હું સેવાસી ચેક પોસ્ટ સામેના પાર્કિગમાં પીળા કલરની સાડી પહેરી ઉભી છું, તેમ જણાવ્યું હતું.
દરમિયાન બપોરે રોમિયો બાઈક લઈને આવ્યો હતો અને પરણીતા પાસે પહોંચી ગયો હતો.તેણે પરણીતાને બાઈક પર બેસવાનું કહેતાં જ પરણીતાએ તેની બાઈકની ચાવી કાઢી લીધી હતી.જે બાદ પરણીતાનો પતિ પણ આવી ગયો હતો.દંપતિએ ભેગા મળી રોમિયા પર સવાર હવસનું ભૂત ઉતારી નાંખ્યું હતું.પતિ-પત્નીએ રોમિયોનું નામઠામ પુછતાં ઈમરાન અહેમદભાઈ મન્સુરી (ઉં.વ.30. રહે, ગણપતપુરા, કરજણ) હોવાનું જણાવ્યું હતું.ત્યારબાદ રોમિયોને સેવાસી પોલીસ ચોકીમાં સોંપી દીધો હતો.તાલુકા પોલીસે ઈમરાન વિરુદ્વ ઈપીકો 354 (ડી) દાખલ કરી તેની અટકાયત કરી હતી.નોંધનીય છે કે, પરણીતાને સંતાનમાં બે બાળકો છે.
રાતના એક વાગ્યે પણ રોમિયો ફોન કરી હેરાન કરતો
પોલીસે જણાવ્યું હતું કે, મહિલાએ આરોપી ઈમરાનને બીજીવાર ફોન નહીં કરવા જણાવ્યું હતું, તેમ છતાં રાતના એક વાગ્યા સુધી ફોન કરી હેરાન કરતો હતો. ગઈકાલે સાંજે જ આરોપીને પકડવાના હતા, પરંતુ આવ્યો ન હતો.
રોમિયાની કાકલુદી, આ મારી મા સમાન છે, જિંદગીમાં આવું નહીં કરું
ઈમરાનને ઝડપી પાડી પોલીસના હવાલે કરતાં જ મ્યાઉં મીંદડી થઈ ગયો હતો.આરોપીએ મેં આ બહેનને ફોન કર્યો હતો,પરંતુ મારી ભુલ થઈ ગઈ છે, મને માફ કરી દો, તેમ કહી કાકલુદી કરવા લાગ્યો હતો.