થરાદ : બનાસકાંઠાની રણની કાંધીએ આવેલા તાલુકા મથક સુઇગામમાં ભોળાનાથનું અંદાજીત પાંચસો વર્ષ પુરાણું શ્રીરાજેશ્વર મહાદેવનું સ્વયંભુ શિવાલય આવેલું છે.જેમાં રવિવારની રાત્રિના સુમારે પ્રવેશ કરીને શિવલિંગની તોડફોડ કરીને મંદીરમાંથી ચાંદીના સાત જેટલાં છત્રની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની સવારમાં પુજારીને જાણ થતાં તેમના થકી ગ્રામજનોમાં જાણ થતાં બધા એકઠા થઇ ગયા હતા. અને વધુ તપાસ હાથ ધરતાં મંદિરમાં ચોરી થઈ હતી તેનું શિવલિંગ અને બીજી બે મુર્તિઓ મળી આવી હતી.બનાવને પગલે થરાદના મદદનીશ એસપી પુજા યાદવ ઘટનાની ગંભીરતા પારખીને તાબડતોબ આવી ગયા હતા.પોલીસવડા તરૂણ દુગ્ગલ દોડી આવ્યા હતા.
ગામના આગેવાનો સાથે બેઠક યોજી ઘટના સંદર્ભે શાંતિ જાળવવા અપીલ કરતાં કસુરવારોને ઝડપી કાર્યવાહી કરવાની હૈયાધારણા પણ આપી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.એસઓજી અને એલસીબી પોલીસની ટીમો સાથે સ્થાનિક પોલીસે આ પ્રકારનું કૃત્ય કરનારને શોધી કાઢવાની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.જો કે આ બનાવ અંગે સોમવારે સાંજ સુધીમાં કોઇ ફરિયાદ પણ નહી નોંધાઇ હોવાનું જાણવા મળ્યું હતું.જ્યારે મદદનીશ પોલીસવડાએ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.