મહેસાણા : રાજ્યમાં વરસતાં વરસાદની વચ્ચે આજે ઠેર-ઠેર ગણશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી છે.આ દરમ્યાન મહેસાણાના સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિ ભગવાનને પોલીસ દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ.આકાશમાંથી અમીછાંટણાની વચ્ચે મહેસાણા પોલીસ દ્રારા જમણી સૂંઢવાળા ગણપતિ ભગવાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહી ગણપતિ ભગવાનના દર્શન કર્યા હતા.
મહેસાણા શહેરના ફુવારા પાસે આવેલા સિદ્ધિ વિનાયક મંદિરમાં આજે પોલીસ દ્રારા ગણપતિ ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ.ગુજરાતભરમાં સામાન્ય રીતે ગણપતિ મંદિરમાં ગણપતિની પ્રતિમા ડાબી સૂંઢવાળી હોય છે.જોક મહેસાણાના ફુવારા પાસે આવેલા આ સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિ ભગવાનની જમણી સૂંઢવાળી પ્રતિમાં છે.જેથી લોકો મોટી સંખ્યામાં દરવર્ષે અને દરરોજ પણ દર્શનાર્થે આવતાં હોય છે.ગાયકવાડના સમયથી ચાલી આવતી વર્ષો જુની પરંપરા મુજબ ગણેશ મહોત્સવ દરમ્યાન મહેસાણા પોલીસ દ્વારા દાદાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.ત્યારે આ વર્ષે મહિલા પોલીસ કર્મીઓએ ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.
સિદ્ધિ વિનાયક મંદિરના પુજારીએ જણાવ્યું હતુ કે, ઉદાસીન સપ્રદાયના મહાત્માં નિરંજનદાસ મહારાજ ભારત ભ્રમણ કરવા નિકળ્યા હતા.તે દરમ્યાન તેઓ મહેસાણા ખાતે આવ્યાં હતા અને અહીં ધુણી ધખાવી જમણી સૂંઢવાળી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરી હતી.જમણી સૂંઢના ગણેશજીની પ્રતિમાનો મહિમા અનેરો છે.સિદ્ધિ વિનાયક મંદિર 100 વર્ષ કરતાં પણ વધારે વર્ષોથી નિમાર્ણ પામેલું છે.સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણશેજીની પ્રતિમાનું વિશેષ મહત્વ છે.ગણપતિ બાપાની સ્થાપના સમયે મહેસાણા પોલીસ દ્વારા 100 વર્ષથી ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા છે.