રશિયન જાસૂસ લિત્વિનેન્કોના મૃત્યુ માટે રશિયા જવાબદાર : યુરોપિયન કોર્ટ

227

યુરોપની કોર્ટે કહ્યું છે કે પોલોનિયમ ઝેરને કારણે લંડનમાં મૃત્યુ પામનાર રશિયન જાસૂસ એલેક્ઝેન્ડર લિત્વિનેન્કોના મોત માટે રશિયા જવાબદાર છે.લિત્વિનેન્કો એફએસબીના પૂર્વ અધિકારી હતા અને તેઓ પુતિનના અગ્રણી ટીકાકારોમાં સામેલ હતા.
વર્ષ 2006માં એલેક્ઝેન્ડર લિત્વિનેન્કોને લંડનમાં ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હતા.એ ઝેર રેડિયોઍક્ટિવ પદાર્થ પોલોનિયમ હતું.બ્રિટને લિત્વિનેન્કોને શરણ આપ્યું હતું અને રશિયામાં તેમને ગદ્દાર ઠેરવવામાં આવતા હતા.બ્રિટનમાં પણ આની આધિકારિક તપાસ થઈ અને તેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સંભવિત છે કે લિત્વિનેન્કોની હત્યાને પુતિન અને એફએસબીના તત્કાલીન પ્રમુખ નિકોલાઈ પાત્રુશેવે મંજૂરી આપી હતી.

રશિયાએ આ આરોપોને ફગાવી દીધા અને નેશનલ હીરોનો દરજ્જો ધરાવતા સાંસદ આંદ્રેઈ લુગોવોઈને લિત્વિનેન્કોની હત્યાના પ્રમુખ સંદિગ્ધ ઠેરવ્યા.એલેક્ઝેન્ડર લિત્વિનેન્કોએ એફએસબી પર એક ખુફિયા જૂથ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો જેનું કામ દુશ્મનોની હત્યા કરવાનું હતું.યુરોપિયન કોર્ટે કહ્યું કે અદાલતને પહેલી નજરમાં જાણવા મળ્યું કે “લિત્વિનેન્કોને ઝેર આપવામાં બે રશિયન એજન્ટ લુગોવૉઈ અને કોવતુન સામેલ હતા.” અદાલતે કહ્યું કે રશિયન સરકાર દ્વારા આ આરોપોને ફગાવવામાં ન આવ્યા,જે ઇશારો કરે છે કે તેઓ જ આના માટે જવાબદાર છે.લુગોવૉઈ અને કોવતુન નામના બંને રશિયન એજન્ટ આ ઘટનામાં સામેલ થવાનો ઇનકાર કરતા રહ્યા છે.

ઇમેઇલમાં એક ચૂકને કારણે અઢીસો જેટલા અફઘાન દુભાષિયાના જીવ પર જોખમ

અફઘાનિસ્તાનમાં યુકે માટે કામ કરી ચૂકેલા અઢીસો જેટલા દુભાષિયાની વિગતો ઇમેઇલ ઉપર શેર કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.સંરક્ષણ સચિવ બૅન વાલેસ દ્વારા આ મુદ્દે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.બીબીસી ન્યૂઝના ફિલ કૅમ્પ,લુસી મેનિંગ અને એડ કેમ્પબેલના અહેવાલ અનુસાર સંરક્ષણ મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલા ઇમેઇલમાં બ્રિટનમાં સ્થાયી થવા માગતા અફઘાનીઓને ભૂલથી કૉપી કરવામાં આવ્યા હતા.અફઘાનિસ્તાનમાં છૂપાઈ રહેલા અથવા તો અન્ય દેશોમાં નીકળી જવામાં સફળ રહેલા લોકોને આ ઇમેઇલ મોકલવામાં આવ્યા હતા.આ ઇમેઇલમાં દુભાષિયા તરીકે કામ કરી ચૂકેલા લોકોના પ્રોફાઇલ પિકચર અને સંપર્કની વિગતો પણ છે.આ ઇમેઇલમાં અસલામત હોય તો હાલનું સ્થળ ન છોડવા તથા તેમને બહાર કાઢવા માટે પૂરતા પ્રયાસ થઈ રહ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું.સંરક્ષણ મંત્રાલયને આ ચૂક અંગે માલૂમ થતાં તેમણે ત્રીસ મિનિટ પછી બીજો મેઇલ મોકલ્યો હતો, જેમાં ‘અગાઉનો મેઇલ ડિલીટ કરવા’ તથા ‘નવું ઇમેઇલ ઍડ્રેસ’ તૈયાર કરવા કહેવામાં આવ્યું છે.સંરક્ષણ મંત્રાલય દ્વારા આ મુદ્દે ચૂકનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને માફી માગી છે,સાથે જ આવી ભૂલ ફરીથી નહીં થાય તેવી ખાતરી ઉચ્ચારી છે.

Share Now