
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પછી હવે ગાંધીનગરમાં નરેન્દ્ર મોદી પંચાયત પરિષદ તાલીમ ભવન બનવા જઇ રહ્યું છે.ગાંધીનગરમાં બનેલા ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની બેઠકમાં એક પ્રત્સાવ પાસ કરવામાં આવ્યો છે.જેના હેઠળ ઈંદિરા ગાંધી તાલીમ ભવનને તોડીને ન માત્ર નવું રૂપ આપવામાં આવશે,પણ તેનું નામ બદલીને નરેન્દ્ર મોદી તાલીમ ભવન કરવામાં આવશે. તેને લઇ એક પ્રસ્તાવ પણ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જો આના પર સંમત થઇ જાય છે તો અમદાવાદમાં ક્રિકેટ સ્ટેડિયમ પછી પ્રધાનમંત્રી મોદીના નામે ગાંધીનગરમાં તાલીમ ભવન બનશે.પરિષદની કાર્યકારિણી બેઠકમાં એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે.જેમાં કહેવામાં આવ્યું કે 1983માં બનાવવામાં આવેલ આ તાલિમ ભવન ખૂબ જૂનુ છે અને જર્જરિત છે.માટે તેને નવેસરથી બનાવાશે અને તેનું નામકરણ પ્રધાનમંત્રી મોદીના નામ પર કરવું જોઇએ.
હોમ મિનિસ્ટર અને ગાંધીનગરના સાંસદ અમિત શાહને આ પ્રસ્તાવ વિશે જાણ કરી દેવામાં આવી છે.રાજ્યના પંચાયત મંત્રી બૃજેશ મેરજા આવનારા દિવસોમાં એક પ્રતિનિધિમંડળની સાથે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદીની સાથે પણ મુલાકાત કરશે.પણ હવે કોંગ્રેસ પાર્ટીએ આ બાબતે નાખુશતા વ્યક્ત કરી છે.
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવડિયાનું કહેવું છે કે જો આવું જ થતું રહ્યું તો દેશની દરેક ઈમારતોનું નામ નરેન્દ્ર મોદી કરી દેવું જોઇએ.કારણ કે તે સમયે ગુજરાત સરકારે આ નામ સ્વર્ગીય ઈંદિરા ગાંધીના સન્માનમાં રાખ્યું હતું.કારણ કે તેમણે જ ભવનનો શિલાન્યાસ કર્યો હતો.પણ મોદી હજુ હયાત છે તો આવું જરા પણ કરવું જોઇએ નહીં અને આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી આનો વિરોધ કરશે.
ભાજપાના પ્રવક્તા યમલ વ્યાસનું કહેવું છે કે ગુજરાત સહિત દેશભરમાં ગ્રામીણ ક્ષેત્ર માટે મોદી સરકારે જે પણ કર્યું છે,તે હજુ સુધી કોઇપણ સરકારે કર્યું નથી તો કોંગ્રેસનો આ વિરોધ યોગ્ય નથી.એવામાં હવે જ્યારે ફરી એકવાર નરેન્દ્ર મોદીના નામથી ભવન નિર્માણ કરવામાં આવી રહ્યું છે તો ચર્ચા શરૂ થઇ ગઇ છે.જોકે ઈંદિરા ગાંધીનું નામ હટાવીને નરેન્દ્ર મોદીનું નામ રાખવાને લઇ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે.