પાટણમાં માતૃવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.તેમણે લોકોને સંબોધન કરતા સમયે કહ્યું કે તેઓ પત્નીથી છૂપાઈને પાટણના કાર્યક્રમમાં આવ્યા છે.જોકે તેઓ શા માટે પત્નીથી છૂપાઈને પાટણના કાર્યક્રમમાં આવ્યા તે બાબતે પણ તેમણે લોકોને જણાવ્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રુદ્રમાળ સિદ્ધપુરની વખણાય છે.તેમાં પણ પાટણ જિલ્લાની વાત આવે તો તમામ ઘરના લોકો જો પાટણ જતા હોય ત્યારે આજે મારી પણ તમારા સૌ જેવી હાલત થઇ.પાટણ જઈએ એટલે પટોળું લીધા વગર પાછા પોતાના જિલ્લામાં
ન જઈ શકીએ તેવી હાલત હોય એટલે આજે હું છૂપાઈ છૂપાઈને અહીં આવ્યો છું. મારા વાઈફને જો ખબર પડે તો મારે પણ પટોળું લઇ જવું પડે.એટલે પાટણની જે વિશિષ્ઠતા છે તે પટોળાથી નથી અટકતી.
પાટણની રાણકી વાવ વર્ષોથી ખૂબ સારી છે. રાણકી વાવની વિશિષ્ટતા લોકો ઇન્ટરનેટના માધ્યમથી જાણતા હોય છે.પણ આ વાવ જેટલી પ્રચલિત હતી તેના કરતા વધારે પ્રચલિત કરી છે.એટલે આપણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવો જોઈએ.જ્યારે દુનિયાભરના લોકો ગુજરાતમાં આવે એટલે પાટણ જરૂરથી આવવું પડે.તેનું એક કારણ પટોળું છે અને બીજું કારણ આ રાણકી વાવ છે.આપણે સૌ લોકો એ જિલ્લાના વતની છીએ કે ત્યાંની એક-એક વસ્તુમાં એટલી વિશિષ્ટતા છે કે, તેના કારણે આપણા જીલ્લાઓ ખૂબ જ પ્રખ્યાત છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સિદ્ધપુર દેશભરમાં માતૃતર્પણ માટેનું એક જ સ્થળ છે.સિદ્ધપુરમાં આપણે સૌ લોકો એક વચન પાળીએ કે આ માતૃતર્પણના સ્થળ પર એક પણ વડીલ બાએ પોતાનું ઘર છોડીને વૃદ્ધાશ્રમ સુધી ન જવું પડે તેવી વ્યવસ્થા આપણે બધાએ કરવી જોઈએ.એવા વિચારો આપણે સિદ્ધપુરથી લઇને પાટણ સુધી અને પાટણથી આ વિચારો આખા ગુજરાતમાં પહોંચાડવા માટે પ્રત્યનશીલ રહીએ.હું તમને સૌને અપીલ કરવા માગું છું કે, આ વિચારોને આપણી વાતોમાં નહીં પણ કાર્યોમાં ઉતારીને આ માતૃવંદનાના કાર્યક્રમને સફળ બનાવીએ.