હૂની ચેતવણી છતાં યુરોપના મોટાભાગના દેશોમાં કોરોના નિયંત્રણો હળવા કરાયા

510

 

  • યુએસમાં ઓમિક્રોનના કેસોની સંખ્યા 99.9 ટકા થઇ
  • ફાઇઝરે યુએસમાં પાંચ વર્ષથી ઓછી વયના બાળકો માટે કોરોના રસીની મંજૂરી માંગી
  • યુએસમાં ઓમિક્રોનના નવા 3.98 લાખ કેસ નોંધાયા, 3622ના મોત

વોશિંગ્ટન : કોરોના મહામારીનું જોર ઓસરી રહ્યુ હોવાનું જાણી યુરોપમાં સંખ્યાબંધ દેશોએ કોરોનાના નિયંત્રણો હળવા બનાવવાની કે ઉઠાવી લેવાની કવાયત આરંભી છે પણ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણીનો સૂર કાઢતાં જણાવ્યું હતું કે ૨૦૨૦ના છેલ્લા દસ સપ્તાહમાં વિશ્વમાં ઓમિક્રોનના ૯૦ મિલિયન કેસો નોંધાયા છે જે સમગ્ર ૨૦૨૦ના વર્ષના કુલ કેસો કરતાં પણ વધારે છે.ઓમિક્રોનને ઓછો આંકવાની ભૂલ ન કરવા જણાવતાં હૂએ જણાવ્યું હતું કે ઓમિક્રોન હજી બહોળાં પાયે ફેલાઇ રહ્યો છે તે હજી ઉત્ક્રાંતિ પામી શકે છે.

મંગળવારે હૂના વડા ટેડરોસ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે કેટલાક દેશોમાં રસીકરણને કારણે અને અને કેટલાક દેશોમાં ઓમિક્રોનનો આકરો ચેપ ન લાગતો હોવાથી એવી છાપ ઉભી થઇ છે કે ચેપને પ્રસરતો અટકાવવાનું શક્ય નથી અને તે જરૂરી પણ નથી.પણ આ ખોટી વાત છે.ડો. માઇકલ રયાને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે થોડા દેશોમાં રાજકીય દબાણને કારણે રાજકારણીઓ નિયંત્રણો વહેલા ઉઠાવી લેશે તો બિનજરૂરી ચેપ ફેલાશે અને બિનજરૂરી મોત નો આંક વધશે.૨૪થી ૩૦ જાન્યુઆરીના સપ્તાહ દરમ્યાન દુનિયાભરમાં નવા કેસોની સંખ્યા અગાઉના સપ્તાહ જેટલી જ રહી છે પણ મોતની ટકાવારીમાં નવ ટકાનો વધારો થયો છે.આ સપ્તાહમાં કુલ ૫૯,૦૦૦ કરતાં વધારે લોકોના મોત થયા છે.દુનિયાભરમાં કોરોનાના કુલ ૩૮૨ મિલિયન કેસો અને ૫.૭ મિલિયન મોત નોંધાયા છે.આમ છતાં બ્રિટન, ફ્રાન્સ, આયરલેન્ડ, નેધરલેન્ડ સહિત સંખ્યાબંધ નોર્ડિક દેશોમાં પણ કોરોના નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે અથવા તેને દૂર કરવામાં આવ્યા છે.ગયા સપ્તાહે યુકેમાં કોરોનાના તમામ નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા હતા.લોકોએ હવે એક જ નિયમ- કોરોનાનો ચેપ લાગે તો આઇસોલેશનમાં જતાં રહેવાનું- પાળે છે.

ઓમિક્રોનનો ચેપ ડેલ્ટા કરતાં ઓછો આકરો છે પણ તે વધારે ઝડપથી પ્રસરે છે અને તે ઘણાં દેશોમાં પ્રભાવી વેરિઅન્ટ બની ગયો છે.યુએસમાં પણ સીડીસીના જણાવ્યા અનુસાર ૯૯.૯ ટકા કેસો ઓમિક્રોનના છે અને ૦.૧ ટકા કેસો જ ડેલ્ટાના રહ્યા છે. ડિસેમ્બરની શરૂઆતથી ઓમિક્રોનના કેસોની સંખ્યા વધવાની શરૂઆત થઇ હતી.૪ ડિસેમ્બરે પુરા થતાં સપ્તાહે ઓમિક્રોનના કેસોની સંખ્યા ૦.૬ ટકા હતી જે ૧૫ જાન્યુઆરીએ પુરા થતાં સપ્તાહે વધીને ૯૭.૮ ટકા થઇ ગઇ હતી.બૂસ્ટર ડોઝ લેનારાઓને સૌથી ઓછા પ્રમાણમાં હોસ્પિટલમાં દાખલ થવું પડયુ હતું તેની સામે રસી ન લેનારાઓને સૌથી વધારે સારવાર હોસ્પિટલમાં લેવી પડી હતી.યુએસમાં કોરોનાના નવા ૩,૯૮,૯૧૪ કેસ અને ૩૬૨૨ મોત નોંધાયા હતા.

દરમ્યાન ફાઇઝરે યુએસ સરકારને પાંચ વર્ષથી ઓછી વયના બાળકો માટે એકસ્ટ્રા લો ડોઝ માટે પરવાનગી આપવા જણાવ્યું હતું.કંપની માર્ચ મહિનામાં જ પાંચ વર્ષથી ઓછી વયના બાળકોનું રસીકરણ કરવા માટે થનગની રહી છે.યુએસમાં પાંચ વર્ષથી ઓછી વયના બાળકોની સંખ્યા૧૯ મિલિયન છે.ઓમિક્રોનનો ચેપ મોટા પ્રમાણમાં બાળકોને લાગવાને કારણે અમેરિકન માતાપિતાઓ હવે તેમના સંતાનોને રસી આપવા માટે ઉતાવળાં થયા છે.હાલ ફાઇઝર આ વયજૂથના બાળકો માટે ત્રણ રસીનું પરીક્ષણ કરી રહ્યું છે અને તેનો ેઆખરી ડેટા માર્ચના અંત સુધીમાં આવવાની શક્યતા છે.એફડીએ દ્વારા બુધવારે જણાવવામાં આવ્યું હતું કે ફેબુ્રઆરીની મધ્યમાં સંશોધકોની સ્વતંત્ર પેનલ દ્વારા ફાઇઝરના ડેટાનો રિવ્યુ કરવામાં આવશે.એફડીએ દ્વારા આ પેનલની ભલામણો સ્વીકારવામાં આવે તે જરૂરી નથી.પણ તેમના અભિપ્રાય રસીની સલામતિ અને અસ રકારકતા માટે ઉપકારક બની રહેશે.

દરમ્યાન ચીનના પાટનગર બિજિંગમાં કોરોનાના ત્રણ નવા કેસો નોંધાવા છતાં સરકારી પ્રવક્તાએ બિજિંગ સલામત હોવાનો પાપટપાઠ કર્યો હતો.બિજિંગમાં આ સપ્તાહના અંતે શુક્રવારે વિન્ટર ઓલિમ્પિક ગેમ્સ શરૂ થવાની છે.પંદરમી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં બિજિંગમાં કોરોનાના કુલ ૧૧૫ કેસો નોંધાયા છે જેમાં છ કેસો તો ભારે ઝડપથી પ્રસરતા ઓમિક્રોન વેરિએન્ટના જણાયા છે.સત્તાવાળાઓએ સંખ્યાબંધ વિસ્તારોમાં કડક લોકડાઉન લાદ્યુ છે જેને કારણે સ્થાનિક રહીશોને નવા વર્ષની ઉજવણી ઘરમાં રહીને જ કરવી પડશે.

બીજી તરફ કેનેડામાં ઓટ્ટાવા ખાતે થોડા મક્કમ દેખાવકારોએ હજી સરકાર સામે તેમના દેખાવો જારી રાખ્યા છે.તેમનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર તમામ રસી આદેશો પાછાં નહીં લે અને કોરોના નિયંત્રણો હટાવશે નહીં ત્યાં સુધી તેઓ હટશે નહીં.તેઓ ટ્રુડો સરકારને હાંકી કાઢવાની પણ માગણી કરી રહ્યા છે.પરંતુ ૮૦ ટકા કરતાં વધારે રસીકરણ ધરાવતાં દેશમાં તેમના સામે રોષ વધી રહ્યો છે.વડાપ્રધાન ટ્રુડોએ પણ તેમને મામૂલી દેખાવકારો ગણાવ્યા હતા.

Share Now