યુક્રેનિયન મહિલા સાંસદે ઉઠાવી બંદૂક, રશિયન સૈનિકોને મારવા તૈયાર, પુતિનને આપી ચેતવણી

760

નવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી, 2022, શનિવાર : રશિયાનો યુક્રેન પર સતત ત્રીજા દિવસે હુમલો ચાલુ જ છે.યુક્રેનમાં એક તરફ લોકો મરી રહ્યા છે અને દેશ છોડીને ભાગી રહ્યા છે તેની તસવીરો સામે આવી રહી છે,તો બીજી બાજુ કેટલીક એવી તસવીરો છે,જે ત્યાંના લોકોને પ્રોત્સાહિત કરી રહી છે.યુદ્ધની વચ્ચે યુક્રેનની એક મહિલા સાંસદે હાથમાં હથિયાર ઉપાડ્યું છે.તેની તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ મહિલા સાસંદનું નામ કીરા રુડિક છે.તેમણે હાથમાં બંદૂક લઈને ફોટો ટ્વીટ કરતા કહ્યું કે,હું બંદૂક ચલાવતા શીખી રહી છું.હવે હથિયાર ઉઠાવવું જરૂરી બની ગયું છે.જોકે,આ એક સપનું જેવું લાગી રહ્યું છે, થોડા દિવસો પહેલા સુધી મેં આ વિશે ક્યારેય વિચાર્યું ન હતું પરંતુ હવે યુક્રેનની મહિલાઓ પુરૂષોની જેમ જ પોતાની ધરતીની રક્ષા કરશે.

અમારા અને રશિયન સૈન્યમાં હથિયાર ઉઠાવવામાં અંતર

ઈન્ટરનેટ પર પોતાનો ફોટો વાયરલ થયા બાદ કીરાએ એક ન્યૂઝ ચેનલ સાથે Exclusive વાતચીત કરતા જણાવ્યું હતું કે,મેં ક્યારેય આવું વિચાર્યું ન હતું કે,એક દિવસ હથિયાર ઉઠાવવું પડશે પરંતુ અમારા અને રશિયન સૈનિકોમાં હથિયાર ઉઠાવવામાં અંતર છે.અમે તેમની જેમ કોઈ બીજાની જમીન પર કબ્જો કરવા માટે બંદૂક નથી ઉઠાવી પરંતુ અમે પોતાના વતનની રક્ષા માટે લડી રહ્યા છીએ.

યુદ્ધ શરૂ ન થયું હોત તો ક્યારેય બંદૂક ન ઉઠાવત

જ્યારે કીરાને પૂછવામાં આવ્યું કે,એક મહિલા થઈને તેમણે બંદૂક ઉઠાવીને યુધ્ધમાં જવું પડી રહ્યું છે તો તેમણે કહ્યું કે,મારે પણ ઘણા દુઃખ સાથે આ કરવું પડી રહ્યું છે. જો યુધ્ધ શરૂ ના થાત તો હું આ ક્યારેય ન કરત.એક દિવસ અમે સવારે 5 વાગ્યે અચાનક વિસ્ફોટોના અવાજથી જાગીએ છીએ અને અમને જાણવા મળે છે કે,પુતિને યુક્રેન સામે યુદ્ધ છેડ્યું છે.એટલા માટે મજબૂરીમાં બંદૂક ઉઠાવવી પડી છે.મારો પરિવાર પણ મારા આ નિર્ણયને સપોર્ટ કરી રહ્યો છે.મારા ઘણા મિત્રોએ પણ હથિયાર ઉઠાવી લીધા છે.

તેમણે આગળ કહ્યું કે,પુતિનને ઉમ્મીદ પણ નહીં હોય કે,યુક્રેન તેમને યુધ્ધમાં આટલી સખત ટક્કર આપશે.યુક્રેનનો દરેક નાગરિક પોતાની ધરતી માટે યુધ્ધ લડવા માટે તૈયાર છે.આ યુધ્ધ અમે શરૂ નથી કર્યું.અમે અમારા પરિવારની સલામતી માટે લડી રહ્યા છીએ.

Share Now