નવી દિલ્હી, તા. ૧૪ : શિક્ષણના અધિકાર (આરટીઇ) અધિનિયમ, ૨૦૦૯માં સંશોધન કરી ૧૮ વર્ષ સુધીની ઉંમરના બાળકોને મફતમાં શિક્ષણ આપવાના પ્રસ્તાવની કેન્દ્ર સરકારે પ્રશંસા કરી છે.સરકારે આ સંદર્ભમાં જણાવ્યું છે કે આ વિષય પર રાજ્યો સાથે વાત કરવી પડશે અને કેન્દ્ર સરકાર પોેતાની સંપૂર્ણ જવાબદારી નિભાવશે.કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કોંગ્રેસ સભ્ય મનીષ તિવારીના પ્રશ્રના જવાબમાં આ માહિતી આપી હતી.
તિવારીએ જણાવ્યું હતું કે ૨૦૦૯ના કાયદામાં ૧૪ વર્ષ સુધીના બાળકોને મફતમાં શિક્ષણની જોગવાઇ છે. જેના કારણે હાલમાં ૯માં ધોરણમાં પહોંચવા પર શાળા તેમની પાસેથી ફી માગે છે અને તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ધર્મેન્દ્રે પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ૨૦૦૯માં તત્કાલીન કોંગ્રેસ નેતૃત્ત્વવાળી યુપીએ સરકારના સમયમાં લાવવામાં આવેલા આરટીઇ કાયદામાં પર્યાપ્ત જોગવાઇ નથી અને આ વાતનો કોંગ્રેસ સાંસદ તિવારીએ સ્વીકાર કર્યો છે તે સ્વાગત યોગ્ય બાબત છે.
પ્રધાને જણાવ્યું હતું કે આ રાજ્યોના અધિકાર ક્ષેત્રનો વિષય છે.મંત્રીએ જણાવ્યું હતું કે ૧૮ વર્ષ સુધીના બાળકોને આરટીઇ હેઠળ આવરી લેવાનો પ્રસ્તાવ સરસ છે.તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ૨૦૦૯માં કાયદો બનાવતી વખતે જ આ અંગે વિચારવાની જરૃર હતી.
પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ૧૮ વર્ષ સુધીની ઉંમરના બાળકોને મફત શિક્ષણ આપવા માટે કાયદામાં સંશોધન કરવું પડશે અને આ માટે રાજ્યો સાથે ચર્ચા કરવી પડશે.કેન્દ્ર સરકાર પોતાની જવાબદારી નિભાવશે.અમે શિક્ષણનું બજેટ સતત વધારી રહ્યાં છે.આ વર્ષે નાણા પ્રધાને બજેટમાં શિક્ષણ પાછળ એક લાખ કરોડ રૃપિયા ફાળવ્યા છે.