મુંબઈ, તા. 25 માર્ચ 2022, શુક્રવાર : ભારતમાં કોરોના સંક્રમણ વચ્ચે યોજાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ની સિઝન થોડી અલગ બનવા જઈ રહી છે. BCCIએ કોરોના સંક્રમણનો સામનો કરવા અને ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ઘણી યોજનાઓ બનાવી છે.આ સીઝન 26મી માર્ચથી શરૂ થવાની છે અને ફાઈનલ 29મી મેના રોજ રમાશે.
ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાશે.ગયા વર્ષે કોરોના સંક્રમણના કેટલાક કેસ નોંધાયા બાદ 4 મે 2021ના રોજ IPLને વચ્ચેથી સ્થગિત કરવામાં આવી હતી.તેનો બીજો હાફ UAEમાં રમાયો હતો.જો આ વખતે પણ આવા જ કિસ્સાઓ સામે આવશે તો શું પ્લાન હશે? ચાલો જાણીએ..
ટુર્નામેન્ટનું ફોર્મેટ કેવું હશે
આ વખતે કુલ 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે.તમામ ટીમો એકબીજા સામે 14-14 મેચ રમશે. આ રીતે ગ્રુપ સ્ટેજમાં કુલ 70 મેચ રમાશે.આ પછી ફાઈનલ સહિત 4 પ્લેઓફ મેચો રમાશે. ગ્રુપ સ્ટેજની તમામ મેચો મુંબઈના વાનખેડે,બ્રેબોર્ન અને ડીવાય પાટીલ સ્ટેડિયમ સિવાય પુણેના એમસીએ સ્ટેડિયમ ખાતે રમાવાની છે.
– આ રીતે તમામ ટીમોએ મેચ રમવાની રહેશે
મુંબઈ ઈન્ડિયન્સ જે ગ્રુપ-Aમાં ટોચ પર છે,તેણે તેમની ગ્રુપ ટીમ KKR, RR, DC અને LSG સામે બે-બે મેચ રમવાની રહેશે.આ સાથે બીજા ગ્રુપમાં ટોચની ક્રમાંકીત ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પણ બે મેચ રમવાની રહેશે અને બાકીની ટીમો સામે એક-એક મેચ.ગ્રુપમાં બીજા નંબરની ટીમે બીજા ગ્રુપની બીજા નંબરની ટીમ સાથે બે મેચ,બાકીની ટીમો સાથે 1-1 મેચ રમવાની રહેશે.
– જ્યારે કોઈ ખેલાડી અથવા સ્ટાફને કોરોનાનો ચેપ હોય તો ?
જો કોઈ એક ખેલાડી અથવા સ્ટાફ કોરોના સંક્રમિત છે,તો તે કિસ્સામાં તે પોઝિટિવ વ્યક્તિને 7 દિવસ માટે આઈસોલેશનમાં મોકલવામાં આવશે.આ દરમિયાન,છઠ્ઠા અને 7મા દિવસે RT-PCR ટેસ્ટ કરવામાં આવશે.બંને ટેસ્ટમાં નેગેટિવ આવશે તો જ ટીમ સાથે બાયો-બબલમાં એન્ટ્રી આપવામાં આવશે.પ્રવેશ પહેલાં,તે પણ જોવામાં આવશે કે શું તેનામાં કોઈ લક્ષણો છે કે પછી તેણે છેલ્લા 24 કલાકમાં કોઈ દવા તો નથી લીધીને.
– જો કોરોનાના ઘણા કેસ હોય તો શું?
કોઈ પણ એક મેચ માટે,પ્લેઈંગ ઈલેવનમાં ઓછામાં ઓછા 7 ભારતીય અને વધુમાં વધુ 4 વિદેશી ખેલાડીઓ રમવાના હોય છે.એક અવેજી (ભારતીય) પણ હોય છે.આ રીતે 12 ખેલાડીઓની ટીમ મેચની તૈયારી કરે છે.જો કોરોના ચેપને કારણે ટીમના આ સંતુલનને ખલેલ પહોંચે છે,તો તે સ્થિતિમાં મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે.
જો કોઈ કારણોસર આ શક્ય ન બને તો આ સમગ્ર મામલો IPLની ટેક્નિકલ કમિટીને મોકલવામાં આવશે.ત્યારબાદ સમિતિનો નિર્ણય માન્ય રહેશે.અગાઉ કોઈપણ મેચને ફરીથી શેડ્યૂલ કરવાની કોઈ પ્રક્રિયા નહોતી.તે સમયે જો કોઈ ટીમ પ્લેઈંગ-11માં ન ઉતરી શકી તો વિરોધી ટીમને પોઈન્ટ આપવામાં આવતા હતા.
– આ વખતે IPLમાં બીજું શું નવું હશે?
આ વખતે ટુર્નામેન્ટમાં દરેક ટીમને બંને દાવમાં 2-2 રિવ્યુ આપવામાં આવશે, જે અગાઉ 1-1 જ હતા.એ જ રીતે બીજો ફેરફાર કેચ આઉટ થવા વિશે છે.આ વખતે ICCનો નવો નિયમ લાગુ કરવામાં આવશે.જો કોઈ ખેલાડી કેચ આઉટ થાય છે,તો નવો બેટ્સમેન સ્ટ્રાઈક પર જ આવશે (જો ઓવર ખતમ ન થઈ હોય તો).બોલરનો આગામી બોલ નવા બેટ્સમેન જ રમશે.
– આ વખતે ફેન્સને સ્ટેડિયમમાં એન્ટ્રી મળશે ?
આ મામલે ક્રિકેટના ચાહકો માટે સારા સમાચાર છે.કોરોનાની વચ્ચે મહારાષ્ટ્ર સરકારે સ્ટેડિયમમાં 25% ફેન્સના પ્રવેશને મંજૂરી આપી દીધી છે.જો કે,આ માટે ચાહકોએ રસીના બંને ડોઝ લીધેલા હોવા જોઈએ. છેલ્લી બે સિઝનમાં (ભારત) કોરોનાના કારણે ચાહકોને એન્ટ્રી નહોતી મળી.
– શું બાયો-બબલમાં કોઈ ફેરફાર થયા છે?
આ વખતે BCCIએ IPLના બાયો-બબલમાં એક મોટો ફેરફાર કર્યો છે.આ વખતે ખેલાડીઓએ 3 દિવસ સુધી આકરા ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે.તેમને હોટેલના રૂમમાંથી બહાર નહીં જવા દેવામાં આવે.દર 24 કલાકે એક ટેસ્ટ પણ કરવામાં આવશે.ગત સિઝન સુધી ખેલાડીઓને 7 દિવસ રોકાવું પડતું હતું.જો કોઈ ખેલાડી સીરિઝમાં રમીને એક બાયો-બબલમાંથી IPL બાયો-બબલમાં આવે છે,તો તેને આ નિયમ નહીં લાગુ પડે.