અમદાવાદ : વર્ષ 2002માં મેઘાણીનગરમાં પાણી ભરવા બાબતે થયેલી તકરારમાં સગીર અને તેના ભાઇએ પાંચ વર્ષની બાળકી સહિત ચાર વ્યક્તિઓ પર એસિડ ફેંક્યો હતો.આ કેસ 22 વર્ષ સુધી કોર્ટમાં ચાલ્યો હતો.જે દરમિયાન બાળ આરોપી પણ જુવાન થઇ ગયો છે.ત્યારે પોલીસ આ કેસના ફરિયાદી અને ભોગ બનનાર સહિતના સાક્ષીઓને શોધી કોર્ટમાં હાજર કરી શકી ન હતી.જેથી જુવેનાઇલ જસ્ટીસ બોર્ડે બાળ આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે.મેઘાણીનગર વિસ્તારમાં પોતાની પાંચ વર્ષની દીકરી સહિતના પરિવાર સાથે મોતીસિંહ શેખાવત રહેતા હતા.31 માર્ચ 2002ના રોજ પાણી ભરવા બાબતે પાડોશી સાથે તકરાર થઇ હતી.ત્યારે સગીર અને તેનો ભાઇ એક ગ્લાસમાં એસિડ લઇને આવી ગયા હતા.ત્યારબાદ પાંચ વર્ષની દીકરી સહિત ચાર વ્યક્તિઓ પર બન્ને ભાઇઓએ એસિડ નાંખ્યો હતો.જેના કારણે તમામ લોકો દાઝી ગયા હતા અને સારવાર માટે તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
આ મામલે મેઘાણીનગર પોલીસે બાળ આરોપી સહિતના લોકો સામે ચાર્જશીટ કરી હતી.ત્યારબાદ કોર્ટ જુવેનાઇલ જસ્ટીસ બોર્ડમાં બાળ આરોપી સામે કેસ ચાલવા પર આવ્યો હતો.જેથી કોર્ટે આ કેસના ફરિયાદી, ભોગબનનાર સહિતના સાક્ષીઓને સમન્સ જારી કર્યા હતા.પરંતુ પોલીસ એક પણ સમન્સ બજાવી શકી ન હતી.જેના કારણે ફરિયાદી કે ભોગબનનાર કોર્ટમાં જુબાની માટે હાજર રહી શક્યા ન હતા.બીજી તરફ ઇજાની સારવાર કરનાર તબીબો કોર્ટમાં હાજર રહી જુબાની આપી હતી.જેમાં એસિડ એટેક હોવાનું ધ્યાને આવ્યું હતું.જો કે, કેસ સાબિત કરવામાં મહત્ત્વના ગણાતા સાક્ષી અને ફરિયાદી જ કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે.
કેસ અધુરો રહી જવા પામ્યો છેઃ કોર્ટ
બાળ આરોપીને નિર્દોષ છોડતા ચુકાદામાં કોર્ટે નોંધ્યું હતું કે, આ કેસમાં ઇજા પામનારને વારંવાર પ્રોસેસ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા.પરંતુ સાક્ષીઓ તથા ફરિયાદી હાજર ન રહેતા તેમને તપાસી શક્યા નથી. જેના કારણે ફરિયાદ પક્ષને મરણતોલ ફટકો પડયો છે.ફરિયાદ પક્ષ એક પણ સાક્ષીને હાજર રાખી શકી નથી તેવા સંજોગોમાં કેસ અધુરો રહી જવા પામે છે.આ કેસ પુરવાર થઇ શકે તેમ ન હોવાથી આરોપીને નિર્દોષ છોડી મૂકવો ન્યાયોચિત છે.