બારડોલીમાં ચોમાસાની શરૂઆત થયા બાદ પાલિકાને વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા કરવાનું સૂઝયુ

130

બારડોલી : બારડોલીના આચાર્ય તુલસી માર્ગ પર એમ.એન.પાર્ક અને ડી.એમ.પાર્કમાં ચોમાસા દરમ્યાન ભરાતા વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવાનું પાલિકાને ચોમાસાના આગમન સમયે સૂઝ પડ્યું છે.વરસાદી પાણીની નવી પાઇપલાઇન નાખવા રસ્તો ખોદવામાં આવશે અને આ માટે ડિવાઇડર પણ તોડી નાખવામાં આવ્યું છે.આજ સુધી બંને સોસાયટીના રહીશો પાણી નિકાલની વ્યવસ્થા માટે પાલિકા સમક્ષ આજીજી કરતાં રહ્યા પણ કોઈ સાંભળવાવાળું ન હતું.સોસાયટીને અડીને મસમોટો પ્રોજેકટ શરૂ થતાં જ તેના લાભ માટે પાલિકાએ તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવાનું બ્રહ્મજ્ઞાન લાધતા પાલિકા શાસકો અને અધિકારીઓની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

શહેરની છેવાડાની સોસાયટીઓ પૈકી ડી.એમ.પાર્ક અને એમ.એન.પાર્કમાં વર્ષોથી વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન હોય રહીશોને ચોમાસાની ઋતુમાં ભારે હાલાકી વેઠવી પડતી હતી.સ્થાનિક રહીશોએ આ સમસ્યાના સમાધાન માટે અનેક વખત પાલિકાને રજૂઆત કરી હતી.જો કે પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.દરમ્યાન એમ.એન.પાર્ક સોસાયટીની બાજુમાં જ હાલ એક મોટો પ્રોજેકટ ચાલી રહ્યો હોય ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ હોવા છતાં પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે.આચાર્ય તુલસી માર્ગને ક્રોસ કરવા માટે ડિવાઇડર તોડવામાં આવ્યું છે અને આ મુખ્ય રોડ ખોદીને એમ.એન.પાર્ક ગરનાળા સુધીની પાઇપલાઇન કરવામાં આવશે.ચોમાસામાં થનારી કામગીરીને કારણે વિસ્તારમાં રહેનારા લોકોને ભારે હાલાકી વેઠવી પડે તેવી સંભાવના છે.

સ્થાનિકોમાં થતી ચર્ચા મુજબ લોકોએ છેલ્લા ચાર વર્ષથી તેઓ રજૂઆત કરી રહ્યા હતા પરંતુ પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી ન હતી.હવે જેવો પ્રોજેકટ શરૂ થયો તેવું તાત્કાલિક કામ શરૂ કરવામાં આવ્યું છે.શાસકો અને અધિકારીઓને પ્રજાની નહીં પરંતુ ખાનગી પ્રોજેકટની વધુ પડી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.જો કે આ મામલે અધિકારીઓ પણ માત્ર એમ.એન.પાર્ક અને ડી.એમ.પાર્કમાંથી વરસાદી પાણીના નિકાલની જ વાત કહી રહ્યા છે.ત્યારે ચોમાસાની શરૂઆતમાં કરવામાં આવેલા આ કામથી વિસ્તારના લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડે એમ છે.બારડોલી નગરપાલિકાના કાર્યાલય અધિક્ષક પંકજ પટેલે જણાવ્યુ હતું કે,આ લાઇન એમ.એન.પાર્ક અને ડી.એમ.પાર્કમાંથી વરસાદી પાણીના નિકાલ માટે નાખવામાં આવી રહી છે.પાઈપલાઇન રોડ ક્રોસ કરીને સીધી એમ.એન.પાર્ક નજીકથી પસાર થતી ખાડી સાથે જોડવામાં આવશે.

Share Now