શ્રીલંકા સામે 414 રન કર્યા બાદ પણ ભારતને નાકે દમ આવી ગયો હતો

136

અમદાવાદ : પ્રવાસી સાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે.

ગુજરાત અને સૌરાષ્ટ્રના શહેરમાં રાજકોટનું જેટલું મહત્વ છે એટલું જ આ રંગીલા રાજકોટનું ક્રિકેટમાં પણ યોગદાન છે.વર્તમાન સિરીઝમાં 1-2થી પાછળ રહેલી ભારતીય ટીમને શુક્રવારની મેચ જીતવી જરૂરી છે અને તો જ પાંચ મેચની સિરીઝન ચાર્મ ટકી રહેશે.અને આ માટે કદાચ રિશભ પંત માટે રાજકોટનું મેદાન ઉમદા તક બની રહેશે.ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે શુક્રવારે રાજકોટ નજીકના ખંડેરી ખાતેના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે સિરીઝની ચોથી ટી20 મેચ રમાનારી છે અને આ મેચ રોમાંચક બની રહે તેવી સંભાવના છે.

આમેય રાજકોટ ક્રિકેટની દૃષ્ટિએ હવે રોમાંચક રાજકોટની પ્રતિષ્ઠા ધરાવતું થઈ ગયું છે.રાજકોટમાં ભૂતકાળમાં ઘણી રોમાંચક મેચો રમાઈ છે તેમાં સૌથી વધુ યાદગાર મેચ પુરુણા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી.ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી વન-ડે મેચમાં બંને ટીમે 400થી વધુનો સ્કોર નોંધાવ્યો હતો અને તેમ છતાં મેચનું પરિણામ છેક છેલ્લા બોલે આવ્યું હતું.યોગાનુયોગે રેસકોર્સ ગ્રાઉન્ડ પરની તે અંતિમ મેચ હતી ત્યાર બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને પોતાનું અલાયદું સ્ટેડિયમ બનાવી દીધું અને વિશ્વના ઉત્તમ સ્ટેડિયમ પૈકીના એખ એવા ખંડેરી ખાતેના સ્ટેડિયમ પર છેલ્લા એક દાયકાથી મેચો રમાઈ રહી છે. ભારત અને શ્રીલંકા 2009ની 15મી ડિસેમ્બરે રાજકોટમાં ટકરાયા હતા.

આ વન-ડેમાં ભારતે 414 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો.શ્રીલંકા છેક ટારગેટની નજીક એટલે કે 411 રન સુધી પહોંચી ગયું હતું અને અંતે ભારતે માંડ માંડ ત્રણ રનથી મેચ જીતી હતી.પરિણામ ગમે તે આવ્યું પરંતુ સ્ટેડિયમમાં ઉપસ્થિત પ્રેક્ષકોને તો ટી20 જેવો રોમાંચ જોવા મળ્યો હતો જેમાં એક દિવસમાં તેમને 100 ઓવરમાં 825 રનની લહાણી થતી જોવા મળી હતી અને તેમાં ચોગ્ગા અને સિક્સરની આતશબાજી નફામાં.ભારત માટે ઓપનર વીરેન્દ્ર સેહવાગે તેની આદત મુજબ જ આક્રમકતા દાખવીને 102 બોલમાં 146 રન ફટકારી દીધા હતા.સેહવાગે છ સિક્સર ફટકારી હતી.તિલકરત્ને દિલશાન કાંઇક અલગ જ યોજના બનાવીને રમવા આવ્યો હતો.તેણે ધમાકેદાર 160 રન ફટકારી દીધા જેને પરિણામે ભારતને મેચ જીતવામાં નાકે દમ આવી ગયો.ઉપુલ તરંગાના 67 અને કેપ્ટન કુમાર સંગાકરાના 90 રનની મદદથી શ્રીલંકાએ જોરદાર લડત આપી.ઉપસ્થિત પ્રેક્ષકોના શ્વાસ અધ્ધર કરી નાખે તેવી બેટિંગ તો સંગાકરાએ કરી હતી.43 બોલમાં 90 રન અને તેમાં પાંચ સિક્સર અને દસ ચોગ્ગા.

Share Now