અમદાવાદ : વિશ્વ ઉમિયાધામ- જાસપુર, અમદાવાદ ખાતે રવિવારે યોગગુરુ બાબા રામદેવજીએ જગત જનની શ્રી ઉમિયા માતાજીના નવનિર્મિત મંદિરની શિલાનું પૂજન કર્યું હતું.ત્યારબાદ સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલ તેમજ ઉપપ્રમુખ પ્રહલાદભાઇ પટેલ કામેશ્વર તેમજ સંસ્થાના દાતાઓ,ટ્રસ્ટીઓની હાજરીમાં બાબા રામદેવજીનું સ્વાગત કરાયું હતું.
આ અવસરે બાબા રામદેવજીએ જગત જનની મા ઉમિયાના ચરણોમાં ભાવ વિભોર થઈને પોતાની દિવ્યવાણીનો લાભ આપ્યો હતો.તેઓ કહ્યું કે આર.પી.પટેલ અને તેમની ટીમે ઉપાડેલું વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર નિર્માણનું કામ ભગીરથ કાર્ય છે.આ કાર્યમાં તમે સૌ જોડાઈ તમારી આવકના 6થી 10 ટકા દાન વિશ્વ ઉમિયાધામને આપો,જેથી શ્રેષ્ઠ પાટીદાર સમાજનું નિર્માણ થાય.વધુમાં તેમણે ઋણ સ્વીકારતાં કહ્યું કે હું પટેલ સમાજના રોટલા અને ઢેબરા ખાઈને મોટો થયો છું.
મને મોટો કરવામાં પાટીદાર સમાજનું પ્રદાન છે.લેઉવા અને કડવા અલગ નથી,ઉમિયા માતાજીના સાનિધ્યમાં સંગઠિત થાય અને આગળ વધે.સમય સંગઠિત થવાનો છે.બધા એક જ છે.તથા વિશ્વઉમિયાધામ સનાતન ધર્મનું સૌથી ગૌરવપૂર્ણ ધામ છે.આ પ્રસંગે વિશ્વ ઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી વિશ્વ ઉમિયાધામનું નિર્માણ થાય ત્યાં સુધી વિશ્વની વિભૂતિઓ જગત જનની મા ઉમિયાના મંદિરનું શિલાપૂજન કરતી રહે અને માતાજીના દર્શને આવે જેથી તેમની ઊર્જા આ ભૂમિ પર સંચિત થાય. સંતોના આશીર્વાદથી આ કાર્ય ઝડપથી સંપન્ન થાય એ જ અભ્યર્થના.