બહારી દેવાની ચૂકવણીની ઊંચી માત્રાને જોતા રૂપિયા પર દબાણ વધશે

127

મુંબઈ : હાલમાં રૂપિયો ડોલર સામે અત્યારસુધીની નીચી સપાટીએ બોલાઈ રહ્યો છે ત્યારે ભારતના બહારી દેવાની ચૂકવણીને જોતા આવનારા દિવસોમાં રૂપિયા પરના દબાણમાં વધુ વધારો થવા સંભવ છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોના સતત આઉટફલોઝ તથા વૈશ્વિક નાણાં નીતિને સખત બનાવવાના પગલાંઓને કારણે ડોલર સામે હાલમાં રૂપિયાનું પતન થયું છે.ગયા વર્ષના ડિસેમ્બરથી અત્યારસુધીમાં ડોલર સામે રૂપિયો પાંચ ટકાથી વધુ ઘટી ગયો છે.

ભારતે તેના ૬૨૧ અબજ ડોલરના બહારી દેવામાંથી ૪૦ ટકા અથવા તો ૨૬૭ અબજ ડોલર જેટલી રકમ વર્તમાન નાણાં વર્ષના અંત સુધીમાં ચૂકવવાની આવે છે,એમ રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે.આ ઉપરાંત વધી રહેલી વેપાર ખાધ પણ રૂપિયા પર દબાણને વધારશે.ભારત પાસે હાલમાં ફોરેકસ રિઝર્વનો આંક ૫૯૩.૩૦અબજ ડોલર જેટલો છે.૩,સપ્ટેમ્બર ૨૦૨૧ના ૬૪૨.૫૦ અબજ ડોલરની ઓલ ટાઈમ હાઈ સપાટીએથી ફોરેકસ રિઝર્વમાં ૪૯.૨૦ અબજ ડોલર જેટલો ઘટાડો થયો છે.

દેવાની ચૂકવવાની રહેતી રકમ ફોરેકસ રિઝર્વના અંદાજે ૪૩ ટકા જેટલી થવા જાય છે.અનેક કોર્પોરેટસે નવા ધિરાણ મેળવવા માટે હિલચાલ શરૂ કરી છે તો કેટલાકે ડોલરના રૂપમાં થયેલી આવકને દેવાની ચૂકવણી માટે જાળવી રાખી છે.આમ છતાં નવ મહિનાના ટૂંકા ગાળામાં આટલા જંગી ફન્ડસનો આઉટફલોઝ રૂપિયા પર દબાણ લાવી શકે છે,એમ ફોરેકસ માર્કેટના સુત્રોએ જણાવ્યું હતું.ક્રુડ તેલના ઊંચા ભાવને કારણે ભારતનું આયાત બિલ ઊંચુ આવી રહ્યું છે,જેને કારણે ફોરેકસ રિઝર્વમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.મેમાં ૨૪.૩૦ અબજ ડોલરની વેપાર ખાધ જુનમાં વધી ૨૫.૬૦ અબજ ડોલર સાથે નવી ઊંચી સપાટીએ પહોંચી હતી.માર્ચ ૨૦૨૧ના અંતે દેશના ફોરેકસ રિઝર્વનું સ્તર બહારી દેવાના ૧૦૦ ટકાથી પણ વધુ હતું તે માર્ચ ૨૦૨૨ના અંતે ઘટી ૯૭ ટકા પર આવી ગયું હતું.

Share Now