અમદાવાદ : શહેરમાં રવિવારે બપોર પછી અચાનક તૂટી પડેલા ભારે વરસાદને પગલે જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.પાણી ભરાવાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અને હજુ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સોમવારે શહેરની સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
શહેરના પાલડીથી લઇને જુદા જુદા વિસ્તારમાં 6થી લઇને 10 ઇંચ સુધી વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા.રવિવારની રજાના દિવસે બહાર ફરવા ગયેલા અનેક પરિવારો મોડી રાત સુધી પાણીમાં ફસાયેલા રહ્યા હતા.શહેરના પોશ વિસ્તાર ગણાતા સેટેલાઇટ,પાલડી,નવરંગપુરા,ઇસ્કોન,બોપલ સહિતના વિસ્તારોમાં ગોઠણથી લઇને કેડ સમા પાણી ભરાયા હતા.શહેરના નીચાણવાળા વિસ્તારમાં આવેલી સોસાયટીઓના ઘરમાં પાણી ભરાઇ ગયા હતા તો અનેક ફ્લેટોના પાર્કિંગમાં પણ પાણી ભરાતા ભારે મુશ્કેલી ઉભી થઇ હતી.હજુ આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી અને મોડી રાત સુધી શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ભરાયેલા પાણીને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલે શહેરની તમામ શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી દીધી છે.