મુંબઇ : નાગપુરમાં પૂરના પાણીમાં તણાઇ ગયેલી એસયુવી ગાડીમાં છ જણની જળ સમાધીની ઘટના હજી ભૂલાઇ નથી ત્યાં મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં શોર્ટકટ લેવા જતા ૩૫ પ્રવાસી સાથે લકઝરી બસ પૂરના પાણીમાં તણાઇ રહી હતી.પણ પોલીસની સમયસૂચક્તા અને બહાદુરીથી તમામ પ્રવાસીના જીવ બચાવી લેવામાં આવ્યા હતા.
બસના ડ્રાઇવરની બેદરકારીને લીધે આ બનાવ બન્યો હતો.મધ્યપ્રદેશથી લકઝરી બસ હૈદરાબાદ જઇ રહી હતી પણ ડ્રાઇવરે શોર્ટકટ માટે રાજુરા તાલુકાના ચિંચોલી માર્ગ પર બસ લીધી હતી.ચંદ્રપુરના ચિંચાલીમાં નાળામાં પૂર આવ્યું હતું.આથી પોલીસે આજે સવારે ૫.૩૦ વાગ્યે રસ્તો બંધ હોવાનું ડ્રાઇવરને કહ્યું હતું.આમ છતાં પોલીસની વાત કાને ન ધરી ડ્રાઇવર બસ પૂરના પાણીમાં લઇ ગયો હતો.પછી અધવચ્ચે પાણીમાં બસ બંધ પડી ગઇ હતી.અને ૩૫ પ્રવાસીના જીવ જોખમમાં આવી ગયા હતા.
આ વિસ્તારના લોકોએ તાત્કાલિક વિરુર પોલીસને બનાવની જાણ કરી હતી.બાદમાં સ્થાનિક રહેવાસીની મદદથી વિરુર પોલીસની ટીમે અંધારામાં બચાવ કામગીરી શરૃ કરી હતી.પાણીના પ્રવાહમાં દોરડા બાંધીને મહિલા,બાળક,વૃદ્ધ સહિત ૩૫ જણને બહાર કાઢવામાં આવ્યા હતા.આ તમામને બીજી બસમાં હૈદરાબાદ મોકલવામાં આવ્યા હતા.પૂરના પાણીમાંથી બસને બહાર કાઢવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા. ચંદ્રપુર પોલીસની આ કામગીરીની સમગ્ર જિલ્લામાં પ્રશંસા થઇ રહી છે.