મહેસાણામાં નુગર ગામે એકઠા થયેલા જુદા-જુદા સમાજે એક અવાજે કહ્યું : લવ જેહાદને દૂર કરો, આ દૂષણ બંધ કરો : જુદા-જુદા સમાજના પ્રતિનિધિઓ તેમના સમાજના વિધાનસભ્યોને મળશે અને સરકારમાં દરખાસ્ત કરશે
ઉત્તર ગુજરાતના મહેસાણા પાસે આવેલા નુગર ગામે ગઈકાલે લવ જેહાદના મુદ્દે ૨૫થી વધુ જ્ઞાતિના પ્રતિનિધિઓ એકઠા થયા હતા અને આ જુદા-જુદા સમાજે એક અવાજે લવ જેહાદને દૂર કરો, આ દૂષણ બંધ કરો એવી માંગણી બુલંદ કરીને લવ જેહાદના મુદ્દે મનોમંથન કરી ઠરાવો કર્યો હતા.એટલુ જ નહીં, પરંતુ લવ જેહાદના મુદ્દે કરેલા ચાર ઠરાવો વિશે ગુજરાત સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે.
ચોરાસી કડવા પાટીદાર સમાજના પ્રમુખ જશુ પટેલે કહ્યું હતું કે ‘લવ જેહાદીઓ નાની વયની કુમળી યુવતીઓને ધોરણ ૧૦ – ૧૨થી જ લલચાવી-ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી ફોટા,વિડિયો ઉતારી સરકારી લગ્નધારાના કાયદા હેઠળ લગ્ન નોંધાવી સમાજ વ્યવસ્થા તોડવાના પ્રયત્નો કરી રહ્યા છે,જેનાથી તમામ સમાજ પીડિત છે.દીકરીઓ પાસે ડરાવી-ધમકાવી મિલકત માટે કોર્ટ કેસ કરે છે.આવા બનાવોને રોકવા જાગૃત થવું જરૂરી છે.આ માટે લગ્નની વય સુધારવા તેમ જ માનવ અધિકાર પંચને પણ મા–બાપના અધિકારને વાચા આપવા ગુજરાતના તમામ જાગૃત જ્ઞાતિ અને સમાજના તમામ આગેવાનોનું એક મહાસંમેલન બોલાવ્યું હતું.આ સંમેલનમાં પુખ્ત વય (૧૮ વર્ષ)ની દીકરી પ્રેમલગ્ન કરે તો એમાં મા–બાપની સહી ફરજિયાત લેવી,મા–બાપની સંમતિ સિવાય લગ્ન કરવા માગતી યુવતીની ઉંમર વર્ષ ૨૫ કરવી અને ૨૫ વર્ષની યુવતી મા–બાપની સંમતિ વગર લગ્ન કરે તો તેને મા–બાપની સ્થાવર તેમ જ જંગમ મિલકતમાંથી ફારગ કરવી.આ ઉપરાંત મૈત્રી-કરારમાં પણ માતા-પિતાની સહી હોવી જોઈએ,નહીં તો માતા-પિતાની મિલકતમાંથી ફારગ કરવા વિશે ચર્ચા થઈ હતી અને ઠરાવ થયા હતા.આ ઉપરાંત દરેક સમાજના વિધાનસભ્યો પાસેથી તેમના સમાજના પ્રતિનિધિઓ આ મુદ્દે સંમતિ લેશે અને ગુજરાત સરકારમાં ચાર ઠરાવ વિશે દરખાસ્ત કરવામાં આવશે.ગુજરાતના તમામ જિલ્લાઓમાં જુદી-જુદી જ્ઞાતિઓના એક ભાઈ અને એક બહેનની કમિટી બનાવવામાં આવશે.’