8 વર્ષમાં EDએ 3 હજારથી વધુ દરોડા પાડ્યા, ટાર્ગેટ પર માત્ર વિપક્ષ : કોંગ્રેસ

62

– માત્ર રાજકીય પક્ષોની વાત કરીએ તો 95 ટકા દરોડા વિરોધ પક્ષના નેતાઓ પર જ પાડવામાં આવ્યા: પવન ખેડા

નવી દિલ્હી, તા. 20 ફેબ્રુઆરી 2023, સોમવાર : છત્તીસગઢમાં કોંગ્રેસે કોલસા કૌભાંડને લઈને કોંગ્રેસ નેતાઓના ઠેકાણા પર EDના દરોડા પર કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે.કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે, કોંગ્રેસના 85માં અધિવેશન પહેલા નેતાઓ પર ED દ્વારા પાડવામાં આવેલા દરોડા પ્રતિશોધ અને ઉત્પીડનની રાજનીતિનું ઉદાહરણ છે.બીજી તરફ કોંગ્રેસી નેતા પવન ખેડાએ કહ્યું કે, 2004થી 2014 વચ્ચે યુપીએ સરકાર દરમિયાન EDએ 112 વખત દરોડા પાડ્યા હતા જ્યારે છેલ્લા 8 વર્ષમાં 3010 દરોડા પાડવામાં આવ્યા છે.

પવન ખેડાએ કહ્યું કે માત્ર રાજકીય પક્ષોની વાત કરીએ તો 95 ટકા દરોડા વિરોધ પક્ષના નેતાઓ પર જ પાડવામાં આવ્યા છે.તેમણે કહ્યું કે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી,સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની પૂછપરછ કરવામાં આવી હતી. હવે જ્યારે અમારું સંમેલન થવાનું છે ત્યારે છત્તીસગઢમાં દરોડા પાડવામાં આવ્યા છે.તેમણે કહ્યું કે, હવે EDનો અર્થ લોકશાહીને ખતમ કરવાનો થઈ ગયો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે પરિભાષાઓ અને પરંપરાઓ બદલી છે.

EDના નિશાન પર માત્ર વિપક્ષ

કોંગ્રસ નેતા પવન ખેડાએ 2014થી વિપક્ષી પાર્ટીઓ પર થયેલા EDના દરોડાના આંકડા રજૂ કરતા કહ્યું કે, કોંગ્રેસ પર 24, TMC પર 19, NCP પર 11,શિવસેના પર 8,ડીએમકે પર 6,આરજેડી પર 5,બીએસપી પર 5,પીડીપી પર 5,આઈએનએલડી પર 3,વાયએસઆરસીપી પર 2,સીપીએમ પર 2,નેશનલ કોન્ફરન્સ પર 2,પીડીપી પર 2, AIADMK 1, MNS પર 1 અને SBSP પર એક વખત દરોડા પાડવામાં આવ્યા છે.

તેમણે છત્તીસગઢમાં જે નેતાઓ પર EDએ દરોડા પાડ્યા હતા તેમના નામ પણ રાખ્યા હતા.તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ રામ ગોપાલ અગ્રવાલ,દેવેન્દ્ર યાદવ,ગિરીશ દેવાંગન,આરપી સિંહ,વિનોદ તિવારી અને સની અગ્રવાલ પર EDના દરોડા પાડવામાં આવી રહ્યા છે.આ સાથે પવન ખેડાએ કહ્યું કે અમારા શિષ્ટાચારને અમારી નબળાઈ ન સમજો તે અમારું ઘરેણું છે.તેમણે કહ્યું કે, અમે પણ જ્યારે સત્તામાં આવીશું ત્યારે ઘણું બધું બતાવી શકીશું.

PM મોદીનું હથિયાર બની ગયુ છે ED

જયરામ રમેશે કહ્યું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં વિપક્ષો સામે એક હથિયાર બની ગયું છે.તેમણે કહ્યું કે, ED નિષ્પક્ષ રીતે કામ નથી કરી રહી.આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, છેલ્લા 9 વર્ષમાં ED દ્વારા પાડવામાં આવેલા દરોડાઓમાં 95 ટકા વિપક્ષી નેતાઓ છે અને મોટાભાગના કોંગ્રેસના નેતાઓની વિરુદ્ધ છે.તેમણે કહ્યું કે રાયપુરમાં કોંગ્રેસના સંમેલન પહેલા મોદી સરકાર વતી EDનો દુરુપયોગ કરીને છત્તીસગઢના અમારા કોંગ્રેસી નેતાઓ પર દરોડા પાડવી એ ભાજપની કાયરતા દર્શાવે છે.

Share Now