– વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરે અપાત્રતાની નોટિસ આપી હોવા છતાં એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનપદના શપથ લેવડાવવામાં આવ્યા એ વિશે ઉદ્ધવ ઠાકરે જૂથના વકીલ કપિલ સિબલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી
મુંબઈ, તા. 22 ફેબ્રુઆરી 2023, બુધવાર : છેલ્લા આઠ મહિનાથી ચાલી રહેલા શિવસેનામાં સત્તાસંઘર્ષની સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે પાંચ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.ત્રણ દિવસ ચાલનારી આ સુનાવણીના ગઈ કાલે પહેલા દિવસે ઉદ્ધવ ઠાકરે જૂથના વકીલ કપિલ સિબલે દલીલ કરી હતી.પહેલા દિવસની સુનાવણીમાં ચૂંટણીચિહ્ન,રાજકીય પક્ષ,વિધાનસભા,વિધાનસભ્યોની અપાત્રતા અને બંધારણની કલમ ૧૦ મુજબ થતી કાર્યવાહી બાબતે દલીલો થઈ હતી.મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત શિવસેનાના ૧૬ વિધાનસભ્યો સામે અપાત્રતાની લટકતી તલવાર છે ત્યારે તેમને જો અપાત્ર ઠેરવાશે તો પક્ષનું શું થશે? એવો સવાલ કપિલ સિબલે ખંડપીઠને કર્યો હતો.જોકે ખંડપીઠે ગઈ કાલના પહેલા દિવસની સુનાવણી દરમ્યાન કોઈ પક્ષકારને રાહત કે નુકસાન થાય એવી કોઈ ટિપ્પણી નહોતી કરી.આથી હવે બાકીના બે દિવસની સુનાવણીમાં શું થાય છે એના પર સૌની નજર રહેશે.
સુપ્રીમ કોર્ટમાં પાંચ જજની ખંડપીઠ સમક્ષ ગઈ કાલે શિવસેનામાં ચાલી રહેલા સત્તાસંઘર્ષની પહેલા દિવસની સુનાવણી હાથ ધરાઈ હતી,જેમાં ઉદ્ધવ ઠાકરે જૂથના વકીલ કપિલ સિબલે દલીલ કરી હતી કે પક્ષમાંથી બહાર પડેલા વિધાનસભ્યોએ અપાત્રતાની કાર્યવાહીથી બચવા માટે વિલીનીકરણનો એકમાત્ર વિકલ્પ રહે છે.વિધાનસભ્યોની અપાત્રતાનો નિર્ણય વિધાનસભાના સ્પીકર લઈ શકે છે,એમ જ્યારે ચીફ જસ્ટિસે કહ્યું હતું ત્યારે કપિલ સિબલે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ પણ આનો નિર્ણય લઈ શકે છે.
સુપ્રીમ કોર્ટના દિગ્ગજ ઍડ્વોકેટ કપિલ સિબલે કોર્ટમાં કહ્યું હતું કે વિધાનસભામાં ગટનેતા અને પાર્ટીની વ્હીપ જાહેર કરનારી વ્યક્તિની નિયુક્તિ પક્ષપ્રમુખના પત્ર દ્વારા વિધાનસભાના સ્પીકર કરે છે.આથી વિધાનસભા નહીં,પણ રાજકીય પક્ષ મહત્ત્વનો છે. પક્ષના સંસદીય નેતાની ભૂમિકા હોય છે,પણ એના કરતાં રાજકીય પક્ષની ભૂમિકા મહત્ત્વની છે.ગયા વર્ષે જૂન મહિનામાં ૧૬ વિધાનસભ્યોને અપાત્રતાની નોટિસ વિધાનસભાના ઉપાધ્યક્ષે મોકલી હતી.સુપ્રીમ કોર્ટે ૧૨ જુલાઈ સુધીમાં આ નોટિસનો જવાબ આપવાનું કહ્યું હતું.આમ છતાં હજી સુધી આ વિધાનસભ્યોએ નોટિસનો જવાબ નથી આપ્યો.અપાત્રતાની લટકતી તલવાર છતાં એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનના શપથ લેવડાવવામાં આવ્યા.એકનાથ શિંદે સહિતના ૧૬ વિધાનસભ્યો અપાત્ર ઠરશે તો પક્ષનું ચૂંટણીચિહ્નનું શું થશે? એકનાથ શિંદે અઢી વર્ષ કૅબિનેટ પ્રધાન હતા.આ દરમ્યાન તેમણે એક પણ નિવેદન મહાવિકાસ આઘાડી સરકારના વિરોધમાં નહોતું કર્યું અથવા પક્ષની ભૂમિકા સામે વિરોધ નોંધાવ્યો નહોતો.તો અઢી વર્ષ બાદ એવું શું થયું?
ઉદ્ધવ ઠાકરે જૂથની દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ગઈ કાલે સુનાવણી મોકૂફ રાખી હતી.હવે આજે બીજા દિવસે એકનાથ શિંદે જૂથની સાથે ચૂંટણીપંચે પક્ષ અને પક્ષના ચૂંટણીચિહ્ન બાબતે લીધેલા નિર્ણયની સુનાવણી હાથ ધરવામાં આવશે.
આજે ચૂંટણીપંચના ચુકાદાની સુપ્રીમમાં સુનાવણી
કેન્દ્રીય ચૂંટણીપંચે શિવસેના પક્ષ અને ચૂંટણીચિહ્ન ધનુષબાણ એકનાથ શિંદે જૂથને ફાળવવાનો નિર્ણય આપ્યો છે એને પડકારતી અરજી ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં સોમવારે દાખલ કરી હતી.ગઈકાલે આ અરજી બાબતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પહેલાં અગાઉના મામલાની સુનાવણી હાથ ધરાશે.બુધવારે (આજે) બપોરના ૩.૩૦ વાગ્યે આ નવી અરજીની સુનાવણી કરવામાં આવશે.ઉદ્ધવ ઠાકરે જૂથના વકીલોએ સુપ્રીમમાં અપીલ કરી હતી કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી ચૂંટણીપંચના નિર્ણય પર સ્ટે મૂકવામાં આવે.જોકે સુપ્રીમ કોર્ટે આવો કોઈ સ્ટે ગઈ કાલે નહોતો મૂક્યો.
સંજય રાઉતની સારવાર થાણેની મેન્ટલ હૉસ્પિટલમાં કરીશું
રાજ્યસભાના સંસદસભ્ય અને ઉદ્ધવ ઠાકરે જૂથના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એક પત્ર લખ્યો છે,જેમાં તેમણે દાવો કર્યો છે કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેએ પોતાને ખતમ કરવા માટેની સુપારી આપી છે.આ વિશે એકનાથ શિંદે જૂથના પ્રવક્તા નરેશ મ્હસ્કેએ ગઈ કાલે કહ્યું હતું કે સંજય રાઉતનું દિમાગ ખરાબ થઈ ગયું છે.તેમનું માનસિક સંતુલન બગડી ગયું છે.તેમને સારવારની જરૂર છે.થાણેમાં આવેલી મેન્ટલ હૉસ્પિટલમાં તેમનો ઇલાજ કરાવીશું.એકનાથ શિંદે અને તેમના કુટુંબીઓની ટીકા કરીને પ્રસિદ્ધિ મેળવવાનું તેમનું ધોરણ રહ્યું છે.ઉદ્ધવ ઠાકરે જૂથના બાકી રહેલા નેતાઓમાં સહાનુભૂતિનું વાતાવરણ નિર્માણ કરવા માટે તેઓ આવો ધંધો કરી રહ્યા છે.સંજય રાઉત સવારે કંઈ બોલે છે,બપોરે બીજી વાત કરે છે અને સાંજે ત્રીજી વાત કરે છે.ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાની અત્યારની દશા માટે સંજય રાઉત જવાબદાર છે.સંજય રાઉત અને તેમનો ભાઈ સુનીલ રાઉત કાયમ ગુંડાઓના સંપર્કમાં હોય છે.તેમના કુટુંબને ‘માંડવલી બાદશાહ’ કહેવાય છે.તેઓ પત્રકારો સાથે વાત કરે છે ત્યારે તેમની સાથે જોવા મળતા લોકો જુઓ.તેમની સામે પોલીસ સ્ટેશનમાં કેટલા ગુના નોંધવામાં આવ્યા છે એ જુઓ.તેઓ પોતે કાચના ઘરમાં રહીને બીજાના ઘરમાં પથ્થર મારવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સંજય રાઉતે રાજ્યના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત મુંબઈ અને થાણેના પોલીસ કમિશનરોને લખેલા પત્રમાં થાણેના કુખ્યાત રાજા ઠાકુર અને તેની ટોળકીને પોતાની હત્યા કરવા માટેની સુપારી શ્રીકાંત શિંદેએ આપી હોવાનો આરોપ કર્યો છે.રાજા ઠાકુર સામે અનેક કેસ હોવાનું કહેવાય છે અને તે જેલમાં પણ જઈ આવ્યો છે.આ પત્રનો રાજ્ય સરકારે હજી સુધી જવાબ નથી આપ્યો.
રાજ્યપાલે ધમકીભર્યા પત્રની જાણ કરેલી : ફડણવીસ
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મહાવિકાસ આઘાડીના નેતાઓએ એમએલસીના નૉમિનેશન ક્લિયર કરવા માટે ધમકીનો પત્ર લખ્યો હોવાની જાણ મને તેમણે કરી હતી.
ભગત સિંહ કોશ્યારીએ સોમવારે કહ્યું હતું કે વિધાન પરિષદમાં ૧૨ એમએલસીના સભ્યોને નિયુક્ત કરવા બાબતે મહાવિકાસ આઘાડીના નેતાઓએ ધમકીભર્યો પત્ર લખીને તેમને ઘૂંટણિયે લાવવાનો પ્રયાસ કર્યો હતો.તેમના આ નિવેદન બાબતે દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે આ વાત કહી હતી.પુણેમાં ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મારી માહિતી મુજબ મહાવિકાસ આઘાડીના નેતાઓએ રાજ ભવનની મુલાકાત લીધી હતી અને તેઓ તત્કાલીન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળ્યા હતા.ગવર્નરે મને કહ્યું હતું કે મહાવિકાસ આઘાડીને નેતાઓએ તેમને ધમકીનો સૂર હોય એવો પત્ર લખ્યો હતો.રાજ્યપાલે આ નેતાઓને બીજો પત્ર લખવાનું કહ્યું હતું,પરંતુ અહમ્ ઘવાતો હોવાથી નેતાઓએ બીજો પત્ર નહોતો લખ્યો.
ઉલ્લેખનીય છે કે મહાવિકાસ આઘાડીની સરકાર હતી ત્યારે એમએલસી નૉમિનેશન બાબતે રાજ્યપાલ અને સરકાર વચ્ચે મોટું ઘર્ષણ થયું હતું.