ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2023, શુક્રવાર : આજે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કર્યું હતું.આ દરમિયાન તેમણે જણાવ્યું કે, શહેરી વિસ્તારોમાં પાણી,ગટર વ્યવસ્થા,રસ્તાઓ,ઘન કચરાનો નિકાલ,સ્ટ્રીટલાઇટ વગેરે માળખાકિય સગવડોના વિકાસ દ્વારા ગુજરાતના શહેરોના રહેણાંકનું સ્તર ઉત્તરોત્તર સુધારવાની સરકારની નેમ છે.શહેરોના મૂળ વિસ્તાર અને તેની વધારેલી હદમાં આ સગવડોનું આયોજન મૂડીક્ષેત્રે મોટું રોકાણ માંગી લે તેમ છે.વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે માનવ વિકાસ સૂચકાંક સુધારવાના હેતુથી શહેરીક્ષેત્રોની માળખાકિય સગવડો માટે વિભાગના બજેટમાં ૩૭% નો માતબર વધારો સૂચવું છું.
– મહાનગરપાલિકા,નગરપાલિકા તેમજ શહેરી સત્તામંડળોમાં પાયાની માળખાકિય સુવિધાઓ માટે અમલમાં મુકેલ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વર્ષ 2024 સુધી લંબાવવામાં આવેલ છે. આ યોજના માટે 8086 કરોડની જોગવાઇ.
– સ્થાનિક સ્વરાજની શહેરી સંસ્થાઓને નાણાકીય સહાય આપવાની યોજના (ઓક્ટ્રોય નાબૂદી વળતર યોજના) અંતર્ગત 3041 કરોડની જોગવાઇ.
– અમૃત-2.0 અંતર્ગત પાણી પુરવઠા,ગટર વ્યવસ્થા,વરસાદી પાણીના નિકાલ,તળાવોનો વિકાસ અને પરિવહન વ્યવસ્થા માટે 1454 કરોડની જોગવાઇ.
– 15મા નાણાપંચ હેઠળ આગામી વર્ષ માટે 1274 કરોડની જોગવાઇ.
– શહેરી વિસ્તારોને રેલ્વે ફાટક મુકત બનાવવાના અભિયાન અંતર્ગત 100 ઓવરબ્રીજ/અંડરબ્રીજ બનાવવા માટે 1131 કરોડની જોગવાઇ.
– પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત આગામી વર્ષમા 1 લાખ જેટલા વધુ લોકોને આવાસ પૂરા પાડવાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા 1066 કરોડની જોગવાઇ.
– અંદાજિત 18 હજાર કરોડના ખર્ચે નિર્માણ થનાર અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ-1 ની મેટ્રો સેવા કાર્યરત કરવામાં આવેલ છે.જ્યારે ફેઝ-2ની કામગીરી પ્રગતિમાં છે.અંદાજે 12 હજાર કરોડના ખર્ચે બનનાર સુરત મેટ્રો રેલ પ્રોજેકટના ફેઝ-1 અને ફેઝ-2ની કાર્યવાહી પ્રગતિમાં છે.આ પ્રોજેકટને રાજ્ય સરકારની સહાય પેટે 905 કરોડની જોગવાઇ.
– સ્માર્ટ સિટી મિશન હેઠળ 547 કરોડની જોગવાઇ.
– શહેરી પરિવહનને વધુ સશકત બનાવવા માટે મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના હેઠળ 50 ટકા વાયેબીલીટી ગેપ ફંડીગ આપવામાં આવે છે.જે માટે 300 કરોડની જોગવાઇ
– નેશનલ રીવર કન્ઝર્વેશન પ્લાન હેઠળ સુરતમાં તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે 250 કરોડની જોગવાઇ.
– સ્વચ્છ ભારત મિશન તથા નિર્મળ ગુજરાત યોજના હેઠળ `૨૬૨ કરોડની જોગવાઇ.
– નગરપાલિકાઓને વીજબીલ ભરવામાં સહાયભૂત થવા “વિજબીલ પ્રોત્સાહન નિધિ” સ્થાપિત કરવામાં આવશે.જે માટે 100 કરોડની જોગવાઇ.
– મહાનગરપાલિકાઓમાં આઇકોનિક બ્રીજ બનાવવા માટે કુલ 400 કરોડના આયોજન સામે જોગવાઇ 100 કરોડ.
– દીનદયાળ અંત્યોદય યોજના-નેશનલ લાઇવલીહુડ મિશન હેઠળ 88 કરોડની જોગવાઇ.
– મહાનગરપાલિકાઓમાં લોકોને હરવા ફરવા માટે રમણીય સ્થળોનું નિર્માણ કરવા નેચર પાર્કનું આયોજન. આ માટે 80 કરોડની જોગવાઇ.
– અગ્નિશમન વાહનો પૂરા પાડવા અને મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટે 66 કરોડની જોગવાઇ.
– વર્લ્ડબૅન્ક સહાયિત ગુજરાત રેઝિલીયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ 34 કરોડની જોગવાઇ.
– રાજ્યની નગરપાલિકાઓમાં સિવિક સેન્ટરો ઊભા કરવા માટે 33 કરોડની જોગવાઇ.
– નગરપાલિકાઓના સુચારુ વ્યવસ્થાપન અને તાંત્રિક કામોના અમલીકરણ, મોનિટરીંગ અને દેખરેખની કામગીરી માટે કમિશ્નરશ્રી મ્યુનિસિપાલિટી એડમીનીસ્ટ્રેશનની ટેકનિકલ જગ્યાઓ માટે 18 કરોડની જોગવાઇ.
ગિફ્ટ સિટી
ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ અને એકમાત્ર કાર્યરત એવું આંતરરાષ્ટ્રીય નાણાંકીય સેવાઓનું કેન્દ્ર છે.ભારતની અને વિદેશની નામાંકિત બેંકો, ઇન્શ્યુરન્સ અને રિઇન્શ્યુરન્સ કંપનીઓ,બે આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો અને તેની સાથે મૂડી બજાર સાથે જોડાયેલ ઇન્ટરમીડિઅરીઝ ગિફ્ટ સિટી ખાતેથી કાર્યરત છે.તાજેતરમાં, ગિફ્ટ સિટી ખાતે નવી બિઝનેસ ગતિવિધિઓ જેવી કે એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સીંગ,ગ્લોબલ ઇન હાઉસ સેન્ટર્સ,શીપ લીઝિંગ અને ફાઇનાન્સીંગ, ગ્લોબલ ટ્રેઝરી કાર્યો તથા અન્યને મંજૂરી આપવામાં આવેલ છે.ગિફ્ટ સિટીમાં કાર્યરત એક્સચેન્જોમાં 50 બિલિયન યુ.એસ.ડોલરથી પણ વધારેના બોન્ડનું લિસ્ટિંગ થયેલું છે.ગિફ્ટ સિટી ખાતે કાર્યરત IFSC ભારતીય કોર્પોરેટ્સને વિદેશી મૂડી બજારમાંથી મૂડી અને ઋણ (ડેટ) મેળવવાની મોટી તક પૂરી પાડે છે.
ગિફ્ટ સિટી ખાતે એક વિશિષ્ટ પ્રકારનું ફિન-ટેક હબ સ્થાપવામાં આવશે.આ હબનો ઉદ્દેશ ભારતમાં ફિન-ટેક શિક્ષણ અને સંશોધનની ગુણવત્તામાં સુધારો કરવાનો,ફિનટેક સ્ટાર્ટ અપ તથા ઇન્કયુબેશનને પ્રોત્સાહિત કરવા,ટેકનોલોજીમાં પુરાવા આધારિત સંશોધન,રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંશોધનકારોને પ્રોત્સાહિત કરવા માટેનો છે.ગિફ્ટ સિટી માટે 76 કરોડની જોગવાઇ.