ડેનમાર્કમાં રમઝાન મહિનામાં પાક કુરાન સળગાવવામાં આવી : ઘટનાથી ઇસ્લામિક દેશો ઉકળી ઉઠયા

90

યુરોપીયન દેશ ડેનમાર્કમાં ચાલુ રમઝાન મહિનામાં કુરાન સળગાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.જેને લઈને સાઉદી અરબ,તુર્કી,જોર્ડન અને પાકિસ્તાન જેવા ઇસ્લામિક દેશોએ આ ઘટના સામે વાંધો ઉઠાવ્યો છે.કહેવામાં આવી રહ્યું છે કે કુરાન સળગાવવા વાળા લોકોએ તુર્કીનો ઝંડો પણ સળગાવ્યો હતો.આ ઘટના પાછળ ‘પૈટ્રીયટર્ન ગેર’ નામના સંગઠનનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

અહેવાલો અનુસાર ડેનમાર્કમાં કુરાન સળગાવવામાં આવી હોવાની આ ઘટના ગત શુક્રવાર (24 માર્ચ 2023)ની છે.પૈટ્રીયટર્ન ગેર નામના સંગઠને ડેનમાર્કની રાજધાની કોપેનહેગનમાં તુર્કીના દુતાવાસની સામે કુરાન સળગાવી હતી.સાથે જ આ સંગઠનના લોકોએ તુર્કીનો ઝંડો પણ સળગાવ્યો હતો.આ સંગઠને આ ઘટનાનો વિડીયો અલગ અલગ સોશિયલ મીડિયા સાઈટ પર પણ મુક્યો હતો.જ્યારથી કુરાન સળગાવવાની ઘટના સામે આવી છે ત્યારથી ઇસ્લામિક દેશો આ ઘટનાનો વિરોધ કરી રહ્યા છે.આ બાબતે તુર્કીના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં આવી ઘટનાને સ્વીકારવામાં આવશે નહીં.ઈસ્લામી પાક મહિના રમઝાનમાં કરવામાં આવેલા આ હરકતે ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે યુરોપમાં ઈસ્લામોફોબિયા,ભેદભાવ અને ઝેનોફોબિયા ભયજનક સ્તરે પહોંચી ગયા છે.આ લોકો અગાઉની ઘટનાઓમાંથી કશું શીખ્યા નથી.

આ ઉપરાંત આ ઘટના સામે વાંધો ઉઠાવતા સાઉદીના વિદેશ મંત્રાલયે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોપનહેગનમાં તુર્કીના દૂતાવાસની સામે એક સંગઠન દ્વારા પાક કુરાનને સળગાવવાની ઘટનાની અમે સખત નિંદા કરીએ છીએ.સાઉદી અરેબિયા સંવાદ, સહિષ્ણુતા અને આદરના મૂલ્યોને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.અમે નફરત અને ઉગ્રવાદને નકારીએ છીએ.આ ઉપરાંત જોર્ડનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ ઘટનાને કોઈ પણ રીતે સ્વીકારવામાં આવશે નહીં.રમઝાનના પાક મહિનામાં આ જાતિવાદી અને મુસ્લિમોને ઉશ્કેરવા વાળું કાર્ય છે.આ ઘટનાથી માત્ર હિંસા જ ભડકી નથી,પરંતુ મઝહબનું અપમાન પણ થયું છે.

તો બીજી તરફ કતારે પણ આ ઘટનાની નિંદા કરતાં કહ્યું છે કે રમઝાન મહિનામાં કુરાનને સળગાવવાથી સમગ્ર વિશ્વમાં બે અબજથી વધુ મુસ્લિમો ઉશ્કેરાયા છે.આ સિવાય પાકિસ્તાન વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે એક નિવેદનમા ઘટના વિશે કહ્યું કે, આવી ઘટનાઓ જાણી જોઈને કરવામાં આવી રહી છે.આવી વારંવારની ઘટનાઓ મુસ્લિમો અને તેમની આસ્થા સામે વધતી જતી નફરત,જાતિવાદ અને ઇસ્લામોફોબિયાના ઉદાહરણો છે.આ ઉપરાંત સંયુક્ત અરબ અમીરાત,મોરક્કો, બહેરીન સહિત કેટલાક અન્ય ઇસ્લામિક દેશોએ કુરાન સળગાવવાની ઘટનાની નિંદા કરી છે.

Share Now